દહેજ ભૂખ્યા સાસરિયાઓએ વધુ એક દીકરીનો સંસાર ઉજાળ્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં લગ્નના માત્ર 6 જ મહિનામાં 22 વર્ષની નાઝીયાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. આ ઘટનાને લઈ વટવા પોલીસે ગુનો નોંધી નાઝિયા ના પતિ સહિત 4 પરિવારજનોની ધરપકડ કરી છે.


નાઝીયા અન્સારીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો

સુખી સંસારના અરમાનો સાથે સાસરે ગયેલી નાઝીયાને ખબર નહોતી કે તેના સપનાઓનો અંત આટલો કરુણ આવશે. વટવાની સૈયદવાડીમાં રહેતી 22 વર્ષીય નાઝીયા અન્સારીએ 9 માર્ચના રોજ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

દહેજ ભૂખ્યા સાસરિયાઓ અવારનવાર ગાડીની માંગ કરતા

ઘટનાની જાણ થતા જ વટવા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદથી જ નાઝીયાના દહેજ ભૂખ્યા સાસરિયાઓ અવારનવાર ગાડીની માંગ કરીને તેને પરેશાન કરતા હતા આ સાથે જ માર પણ મારવામાં આવતો હતો.

નાઝીયા પાસે સતત દહેજ અને રોકડની માંગણી

નાઝીયાના લગ્ન 8 સપ્ટેમ્બર 2025ના રોજ ગુલામ ગૌસ સાથે થયા હતા. ફર્નિચરનું કામ કરતો ગુલામ અને તેનો પરિવાર નાઝીયા પાસે સતત દહેજ અને રોકડની માંગણી કરતા હતા. આ ત્રાસ એટલો હદે વધી ગયો હતો કે આપઘાતના એક દિવસ પહેલા જ નાઝીયાએ તેની માતાને ફોન પર રડતા-રડતા જાણ કરી હતી કે પતિએ તેની સાથે ગંભીર મારપીટ કરી છે.ઝઘડા દરમિયાન પતિએ નાઝીયાની છાતીના ભાગે કોણી મારી ઈજા પહોંચાડી હતી, જેની સારવાર પણ LG હોસ્પિટલમાં કરાવવામાં આવી હતી. જોકે, નાઝિયાની માતાએ લગ્ન જીવનમાં આવો સમય તો આવતો રહે તેમ સમજાવીને સમાધાનના નામે નાઝીયાને ફરી મોતની કોટડી સમાન સાસરે મોકલવામાં આવી,જ્યાં મોડી રાત્રે તેણે ઘરમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.

સાસરીયાની ધરપકડ

વટવા પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા પતિ ગુલામ ગૌસ, સસરા ગુલામ રસુલ અન્સારી, સાસુ સાબિરા અન્સારી અને નણંદ ફિરદોષ અન્સારી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. માત્ર 6 મહિનામાં જ એક હસતી-રમતી દીકરીનું મોત થતા પરિવારમાં ભારે રોષ અને શોકનો માહોલ છે.


આ પણ વાંચો----      Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપ આ નિયમ લાગુ કરશે તો ઘણા નેતા થશે ઘરભેગા

  • Follow us on: