31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે શુક્રવારે ઔડા હસ્તકના શેલા વિસ્તારમાં 30 મિનિટ વરસેલા વરસાદના પગલે શેલામાં નવી નાંખવામાં આવેલી ડ્રેનેજ વ્યવસ્થાની પોલ ખોલી નાંખી હતી. આકાશા રેસિડેન્સી અને કલબ-07 રોડ ઉપર વરસાદી પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. તો આ તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં સમાવવામાં આવેલા બોપલ અને ઘુમા વિસ્તારમાં પણ સામાન્ય વરસાદમાં અનેક સ્થળે વરસાદી પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા. બપોરના સમયે પડેલા ભારે વરસાદને પગલે મીઠાખળી અને શાહીબાગ અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવા પડયા હતા. પાણી નિકાલ પછી ફરીથી આ અંડરપાસ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. કડાકા અને ભડાકા સાથે શરૂ થયેલા વરસાદની વચ્ચે શહેરીજનોએ નવી પેટર્ન જોઈ હતી. વચ્ચે થોડા સમય માટે ઉઘાડ પણ જોવા મળ્યો હતો. અમદાવાદમાં શુક્રવારે રાત સુધીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ મોડી રાત્રે પણ સમગ્ર શહેરમાં ભારે વરસાદ વરસી શકવાની પ્રબળ સંભાવના છે અમદાવાદના બોડકદેવ અને થલતેજ વોર્ડમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ શુક્રવારે પડયો હતો આ ઉપરાંત બોપલ અને ઘુમા જેવા વિસ્તારમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસતા નીચાણ વાળા અનેક વિસ્તારોમાં રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા મહત્તમ વરસાદમાં જોવામાં આવે તો સાયન્સ સીટી અને ચાંદલોડિયા વિસ્તારમાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 23 ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે આમ મોસમનો અત્યાર સુધીનો કુલ 62% વરસાદ અમદાવાદ શહેરમાં પડયો છે. વાસણા બેરેજનું લેવલ 123 ફૂટ કરવામાં આવ્યું હતું. તમામ દરવાજા ફરી ફ્લો ખોલવામાં આવ્યા હતા. શહેરના પાલડી, વાસણા, ઉસ્માનપુરા, ચાંદખેડા, રાણીપ ઉપરાંત મોટેરા જેવા વિસ્તારમાં ભારે ગતિ સાથે વરસાદ વરસી પડયો હતો. બીજી તરફ પૂર્વ વિસ્તારમાં પણ ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. સરસપુર અને આરટીઓ સર્કલ પાસે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.બી.આર.ટી.એસ.ની 308 અને એ.એમ.ટી.એસ.ની 807 બસ ઓન રોડ મુકવામાં આવી હતી. પરંતુ ભારે વરસાદ શરૂ થતા કેટલાક રૂટો ઉપર બસો પાછી ખેંચવાની ફરજ પડી હતી.
