અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ એક જટિલ કેસમાં પંચમહાલ જિલ્લાના 47 વર્ષીય બળવંતભાઈની શ્વાસનળીમાં આશરે દોઢ વર્ષથી ફ્સાયેલો દાંત માત્ર બે મિનિટમાં સફ્ળતાપૂર્વક બહાર કાઢીને તબીબોએ તેમને નવજીવન આપ્યું છે, દર્દીને છેલ્લા એક મહિનાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. આશરે દોઢ વર્ષ પહેલાં દર્દીનો એક દાંત આપોઆપ પડી ગયો હતો અને પાણી પીતી વખતે અજાણતા શ્વાસનળીમાં જતો રહ્યો હતો. જેના કારણે છેલ્લા એક મહિનાથી તેમને સતત ઉધરસ અને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ્ થઈ રહી હતી. દર્દીને 20 જુલાઈ 2026ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પલ્મોનરી મેડિસીન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન માલૂમ પડયું હતું કે, આ દાંત શ્વાસનળીની એક શાખામાં ઊંડે સુધી ફ્સાયેલો હતો. કેસની ગંભીરતાને ધ્યાને રાખી પલ્મોનરી મેડિસીન, કાન-નાક-ગળા (ENT) અને એનેસ્થેસિયા વિભાગના તબીબોએ સંયુક્ત સારવાર યોજના તૈયાર કરી હતી. ત્યારબાદ 23 જુલાઈના રોજ ઓપરેશન થિયેટરમાં અદ્યતન બ્રોન્કોસ્કોપિક ટેકનિકની મદદથી આ દાંતને માત્ર બે મિનિટના ટૂંકા ગાળામાં બહાર કાઢી દર્દીને નવજીવન આપ્યું હતું. તબીબોએ કહ્યું કે, પુખ્ત વ્યક્તિમાં દોઢ વર્ષ સુધી દાંત ફ્સાયેલો રહેવો એ અત્યંત દુર્લભ બાબત છે. શ્વાસનળીમાં કોઈ પણ બાહ્ય પદાર્થ લાંબો સમય રહે તો ચેપ લાગવા સાથે ફેફ્સાં કાયમી ધોરણે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની જટિલતા વિના દર્દીને સારવારના બીજા જ દિવસે સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો