શહેરમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ દિવસને દિવસે ચિંતાજનક રીતે વધી રહી છે. સેવન્થ ડે સ્કૂલની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં નારોલની ઇસનપુર પબ્લિક સ્કૂલમાં વધુ એક હિંસક કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સહપાઠીઓ વચ્ચે ઝઘડો છોડાવવો ભારે પડયો હતો. વચ્ચે પડેલા 14 વર્ષીય વિદ્યાર્થીની આંખમાં ઉશ્કેરાયેલા સહપાઠીએ પરિકર મારી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન છતાં વિદ્યાર્થીની આંખની રોશની જળવાઈ રહેશે કે કેમ, તેને લઈને પરિવારજનો ચિંતામાં છે. વટવા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરતા 34 વર્ષીય વ્યક્તિનો 14 વર્ષીય પુત્ર ગેબનશાહ પાસે આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરે છે. ગત 20 એપ્રિલે સવારે 11 વાગ્યે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું. પરીક્ષા પૂર્ણ થતા 14 વર્ષીય વિદ્યાર્થી તેના મિત્રને બોલાવવા બાજુના ક્લાસમાં ગયો હતો. ત્યાં તેનો મિત્ર અન્ય એક સહપાઠી સાથે ઝઘડી રહ્યો હતો. વિદ્યાર્થીએ વચ્ચે પડીને બંનેને છોડાવવાનો પ્રયાસ કરતા આરોપી વિદ્યાર્થીએ આવેશમાં આવીને તેના હાથમાં રહેલું પરિકર સીધું જ પીડિત વિદ્યાર્થીની આંખમાં મારી દીધું હતું. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીને તાત્કાલિક નજીકના અર્બન હેલ્થ સેન્ટર અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જઈને આંખનું ઓપરેશન કરાયું હતું. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહત્ત્વનું છે કે, સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ શિક્ષણ વિભાગ સફાળું જાગીને અનેક પ્લાન રજૂ કર્યા હતા છતા હુમલા યથાવત રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: