શહેરના ખોખરા વોર્ડમાં મણિનગર રેલવે ક્રોસિંગથી ખોખરા પોલીસ સ્ટેશન તરફ્ જતા મુખ્ય માર્ગ પર આવેલા સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બરાબર સામે વર્ષો જૂનું પીપળાનું વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. એએમસીના રસ્તા સાફ્ કરતા સ્વીપર મશીનની જોરદાર ટક્કર વાગવાને કારણે આ તોતિંગ વૃક્ષ જમીનદોસ્ત થયું હતું.

ભરચક વિસ્તારમાં અચાનક વૃક્ષ પડવાનો અવાજ આવતા જ આસપાસના દુકાનદારો અને રાહદારીઓમાં થોડીવાર માટે ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. જોકે, વૃક્ષ નમવાની આગોતરી ભનક લાગતા જ નજીકમાં ઉભેલા લોકો સમયસૂચકતા વાપરીને તાત્કાલિક દૂર ખસી ગયા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાવની જાણ થતા જ મણિનગર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વૃક્ષના વિશાળ થડ અને ડાળીઓ કાપીને રસ્તા પરથી હટાવ્યા હતા, જેના પગલે બંધ થયેલો વાહનવ્યવહાર ટૂંક સમયમાં જ પૂર્વવત થઇ શક્યો હતો.