અમદાવાદ જિલ્લામાં બાવળા-કલ્યાણગઢ પાસે આવેલી તિવાના ઓઈલ મિલ કંપનીમાં રવિવારે પરોઢે 3:30 વાગ્યાના અરસામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓઈલ મિલમાં આગની જ્વાળાઓ ઉઠતાં ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. આગની જાણ થતાં જ બાવળા અને સાણંદ ફાયર બ્રિગેડની ટીમો ફાયર ફાઈટિંગનાં સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. જોકે, કલાકોની ભારે જહેમત બાદ પણ વહેલી સવાર સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નહોતો. આગની વિકરાળતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને પણ મદદ માટે બોલાવવાની ફરજ પડી હતી. અનેક કલાકોથી ફાયર વિભાગના જવાનો આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. ઔદ્યોગિક એકમમાં લાગેલી આ ભીષણ આગને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો તપાસ બાદ જ બહાર આવશે. બગોદરા કલ્યાણગઢ માર્ગ પર આવેલ તિવાના ઓઈલ મિલ માં લાગેલી પ્રચંડ આગ કલાકો સુધી ચાલુ રહી હતી તો આ આગ ને કારણે શેડ નો એક ભાગ ધરાશાયી થયો હતો તો અત્યંત દુઃખદ કહી શકાય તે બાબતમાં અચાનક લાગેલી આગ ને કારણે શેડ માં પોતાના આશિયાના બનાવી રહેતા અનેક પક્ષીઓના મોત પણ થયા હતા. સાણંદ પાલિકા ફાયરબ્રિગેડના ફાયર ઑફ્સિર વિકાસ રાજગોર દ્વારા જણાવવામાં આવ્યું કે, રવિવારે પરોઢે અંદાજે 3.30 આસપાસ આગ લાગી હતી અને 4.30 કલાકે કોલ મળતા જ ધોળકા, સાણંદ, બાવળાની ફાયર ટીમો દોડી ગઈ હતી અને 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ ને અંકુશમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જે મહદ અંશે સફ્ળ થયો હતો. તેમ છતાં કેટલાક વિસ્તારમાં આગની જ્વાળાઓ ચાલુ રહેતા AMCની ફાયર ટીમની મદદ લઈ આગ પર સંપૂર્ણ અંકુશ લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો