શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જેમાં ઓઢવ રીંગરોડ પર ચાલતા રોડ ક્રોસ કરી રહેલ આઘેડને લોડિંગ ટેમ્પોચાલકે અડફેટે લેતા મોત થયુ હતુ. તેમજ નારોલ પોલીસ સ્ટેશનની સામે રોડ ક્રોસ કરી રહેલ યુવકને મહિન્દ્રા પીકઅપ ગાડીએ અડફેટે લેતા મોત નિપજ્યુ હતુ. બંને બનાવોમાં ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
ઓઢવમાં રહેતા 51 વર્ષીય સુખેન્દ્રસિંહ રાઠૌર ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા હતા. ગત 20 ફ્રેબ્રુઆરીએ રાત્રીના સમયે તેઓ નોકરી પરથી ચાલતા ઘરે જતા હતા. ત્યારે ઓઢવ રીંગરોડ પર ધ ગ્રાન્ડ ઠાકર હોટલની સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવી રહેલ લોડિંગ ટેમ્પોચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચી હતી. તેમજ ટેમ્પો પણ પલ્ટી ખાઇ જતા ચાલક ટેમ્પો મૂકીને નાસી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા હોસ્પિટલ લઈ જતા સારવાર દરમ્યાન સુખેન્દ્રસિંહનું મોત નિપજ્યુ હતુ. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ટેમ્પોચાલક સામે ગુનો નોધ્યો છે.










