અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં આવેલા અમરાઈવાડી વોર્ડમાં તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. સંજય ચોક ચાર રસ્તા પાસે ગટર અને પાણીની લાઈનના કામકાજ અર્થે ખોદવામાં આવેલો એક વિશાળ ખાડો છેલ્લા ત્રણ મહિનાથી બિસ્માર અને જોખમી હાલતમાં યથાવત છે. કામ અધૂરું છોડી દેવાતા અને ખાડાનું સમારકામ ન કરાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોનું કહેવું છે કે ત્રણ મહિના અગાઉ AMC દ્વારા સંજય ચોક ચાર રસ્તા પાસે ગટરલાઈન અને પાણીની પાઈપલાઈન નાખવા માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ખાડો ખોદ્યા બાદ ન તો પાઈપલાઈનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે કે ન તો ખાડાને પૂરવાની તસ્દી લેવામાં આવી છે. આ ખુલ્લો ખાડો હાલ અત્યંત જોખમી સ્થિતિમાં છે. ખાડાની બિલકુલ નજીકમાં જ જાહેર શૌચાલય આવેલું હોવાથી નાગરિકોને જીવના જોખમે ખાડાની સાંકડી ધાર પરથી પસાર થવાની ફરજ પડી રહી છે. વધુમાં, આ સ્થળની નજીકમાં જ શાળા આવેલી હોવાથી નાના બાળકોની સતત અવરજવર રહે છે, જેના કારણે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાવાની ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે.

વધુમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ ગંભીર સમસ્યા અંગે વિસ્તારના નગરસેવકોને પણ સમયસર વાકેફ્ કરવામાં આવ્યા હતા. તેમ છતાં, ત્રણ-ત્રણ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો