શહેરમાં ભલે કરોડોના ખર્ચે મોટા પ્રોજેક્ટ્સ અને આધુનિક વિકાસની વાતો થતી હોય, પરંતુ નાગરિકોને મળતી પાયાની સુવિધાઓની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે.
પૂર્વના ઓઢવમાં ખરાબ રોડ-રસ્તા અને ઉભરાતી ગટરોની સમસ્યા હજી માંડ શમી છે, ત્યાં હવે વાલ્મીકી ઋષિ જાહેર લાઈબ્રેરીઓની દયનીય સ્થિતિ સામે આવી છે. આ અંગે ત્યાં હાજર લોકોએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, આ લાઈબ્રેરી થોડાં વર્ષોથી શરૂ થઈ છે પરંતુ તેની અંદર પ્રાથમિક સુવિધા જ ખુટી પડી છે. જેના માટે રજુઆત કરવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી.
એક સમય હતો જ્યારે લાઈબ્રેરીઓ જ્ઞાનનું મંદિર ગણાતી હતી, પરંતુ AMC સંચાલિત મોટાભાગની લાઈબ્રેરી બનાવ્યા બાદ તેની જાળવણી ન થતી હોવાની ફરિયાદ સામે આવી છે. ઓઢવના અંબિકાનગરમાં આવેલી વાલ્મીકી ઋષિ લાઈબ્રેરી 2023માં જ તૈયાર થયેલ છે પરંતુ તેમાં વાંચકો માટે પૂરતા ટેબલ-ખુરશીઓનો અભાવ રહેલો છે. જ્યારે પંખાની બગડેલી સ્થિતિ અને શૌચાલયની ગંદકીની આ બધી ફરીયાદો નિયમિતપણે સામે આવે છે. આ ઉપરાંત લાઈબ્રેરીની અંદર તેમજ બિલ્ડિંગની આસપાસના પરિસરમાં મોટા પ્રમાણમાં ગંદકી રહેલી છે અને તેની જરૂરી સાફ સફાઈ કરવામાં આવી રહી નથી. આ કારણે ત્યાં આવતાં વયો વૃધ્ધ અને યુવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે લાઈબ્રેરી અભ્યાસનું મુખ્ય સ્થળ હોય છે અને તેઓ જણાવે છે કે, અહીં શાંતિથી વાંચી શકાય એવી સ્થિતિ નથી અને આસપાસ પુષ્કળ ગંદકી છે અને તેમાં બેસવાનો વારો આવી રહ્યો છે. તેમજ ખુરશીઓ અને ટેબલ તૂટેલી સ્થિતિમાં છે. જેને તાકીદે રિપેરિંગ કરવાની જરૂર છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો