જુનના પ્રારંભે સમગ્ર વિશ્વના સૌથી વધુ એમ કેપ ધરાવતા શેરબજારોમાં ભારત પાંચમું સ્થાન ધરાવતું હતું. દરમિયાન જુનના ત્રીજા સપ્તાહ સુધીમાં એઆઇ અને સેમિકન્ડક્ટર શેરોના જોરે સાઉથ કોરિયા અને તાઇવાનના શેરબજારોમાં અભૂતપૂર્વ તેજી જોવા મળતાં જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં સાઉથ કોરિયાએ ભારતનું પાંચમું સ્થાન છીનવી લીધું હતું. જે પછી આ જ સપ્તાહમાં તાઇવાને ભારતનું છઠ્ઠું સ્થાન પણ છીનવી લઇને ભારતને સાતમાં સ્થાને ધકેલી દીધું હતું. જોકે જુનના છેલ્લા સપ્તાહથી આ બજારમાં જોવા મળેલા અગાઉની અભૂતપૂર્વ તેજી જેવા જ અભૂતપૂર્વ કડાકાને પગલે હાલમાં એવી સ્થિતિ સર્જાઇ છે કે સાઉથ કોરિયા સૌથી મોટા દસ શેરબજારોની યાદીમાં છેક છેલ્લા ક્રમે ધકેલાઇ ગયું છે, જ્યારે તાઇવાન હાલમાં સાતમાં સ્થાને છે.
તાઇવાન અને સાઉથ કોરિયાના શેરબજારોમાં જોવા મળેલા કડાકા માટે એઆઇ અને સેમિકન્ડક્ટર શેરોમાં જોવા મળેલી મંદી જવાબદાર છે. એઆઇને કારણે પરંપરાગત આઇટી કંપનીઓનો કારોબાર ઘટશે અને એઆઇ કંપનીઓનો વધશે એવી ધારણા બંધાઇ હતી. આના કારણે 2026ના જુનના ત્રીજા સપ્તાહ સુધી આ બન્ને શેરબજારોમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી હતી. સાઉથ કોરિયાનો કોસ્પી તો એક સમયે 100 ટકા વધી ગયો હતો. જોકે હવે એઆઇ કંપનીઓમાં જેટલું રોકાણ જરૂરી છે તેના પ્રમાણમાં વળતર આપવા તેઓ સક્ષમ નથી એવુ પ્રસ્થાપિત થયું છે. વધુમાં એઆઇ સિસ્ટમમાં રોગ એજન્ટ દ્રારા હેકિંગ કરવામાં આવે એવી ગંભીર કિસ્સા પણ સામે આવ્યા છે. પરંપરાગત આઇટી ક્ષેત્રે કાર્યરત કંપનીઓએ જુન ક્વાર્ટરમાં સારા પરિણામો આપ્યા છે જેને પગલે આ કંપનીઓનો કારોબાર આઇટીને કારણે ઘટશે એવી ભીતિ મહદ અંશે દુર થઇ છે. આના પગલે એઆઇ શેરોમાં જુલાઇમાં કડાકો બોલ્યો છે. પરિણામે સાઉથ કોરિયાના શેરબજારમાં જુલાઇમાં 26.8 ટકાનો અને તાઇવાનના શેરબજારમાં 15.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2026માં મેના અંત સુધીમાં સાઉથ કોરિયાના શેરબજારે 87 ટકા વળતર આપ્યું હતું, જે હવે જુલાઇ સુધીમાં ઘટીને 27 ટકા થઇ ગયું છે. આવી જ રીતે તાઇવાનના શેરબજારે આપેલું 58 ટકા વળતર હવે ઘટીને 33 ટકા થઇ ગયું છે. દરમિયાન જુલાઇ મહિનામાં ભારતીય શેરબજારે 0.6 ટકાનું વળતર આપીને સ્થિતિસ્થાપકતા દાખવી છે જેના કારણે ભારતે પાંચમું સ્થાન જાળવી રાખ્યું છે. બીજી તરફ કેનેડાના શેરબજારે 2 ટકા વળતર આપીને છઠ્ઠું સ્થાન મેળવી લીધું છે.
