ગુજરાત જેલ વિભાગ સેવા નિવૃત્ત સ્ટાફ મંડળ, અમદાવાદ દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2026, રવિવાર ના રોજ એક ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી જેલ સ્ટાફ તાલીમ શાળાના કેમ્પસમાં યોજાયેલા આ 9માં વાર્ષિક કાર્યક્રમમાં આશરે 300 જેટલા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દિવંગત સાથી મિત્રોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

કાર્યક્રમની શરૂઆતમાં જેલ સેવા દરમિયાન સાથે રહી ચુકેલા અને હાલ હયાત ન હોય તેવા દિવંગત સાથી મિત્રોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે મંડળ દ્વારા ખાસ સન્માન સમારોહ પણ યોજાયો હતો, જેમાં 70 વર્ષથી વધુ વયના નિવૃત્ત વડીલોનું બહુમાન કરાયું. જેલ સેવામાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર અધિકારીઓનું સન્માન થયું. વર્ષ 2025માં નિવૃત્ત થયેલા નવા સભ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

વર્તમાન નિવૃત્તિ જીવનની પરસ્પર ચર્ચાઓ કરાઇ

મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા નિવૃત્ત ડી.આઈ.જી. એ.કે. પંડ્યા તથા અન્ય સિનિયર અધિકારીઓએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. વર્ષો સુધી જેલની શિસ્તબદ્ધ દિવાલો વચ્ચે ફરજ બજાવનાર કર્મચારીઓએ એકબીજા સાથે મળીને ભૂતકાળના અનુભવો વાગોળ્યા હતા અને વર્તમાન નિવૃત્તિ જીવનની પરસ્પર ચર્ચાઓ કરી હતી.

કાર્યક્રમને સફળ બનાવ્યો

આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેલ વિભાગની વડી કચેરી, જેલ સ્ટાફ તાલીમ શાળા અને અમદાવાદ મધ્યસ્થ જેલના વહીવટી તંત્રનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો. આ સ્નેહમિલને સાબિત કર્યું કે ખાખી વર્દી ઉતાર્યા પછી પણ સેવા અને સ્નેહના સંબંધો અતૂટ રહે છે.

આ પણ વાંચોઃ Surat: SOGનો માસ્ટરસ્ટ્રોક, 5.85 કરોડના કોબ્રા ઝેર સાથે વકીલ સહિત 7 શખ્સો ઝડપાયા