અમદાવાદ શહેરમાં દેશના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના રૂટના નિર્માણ માટે હવે શહેરમાં ટ્રાફિક ડાયવર્ઝન અને બ્રિજ બંધ રાખવાની નોબત આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના હાઈ-વોલ્ટેજ કામકાજને કારણે અમદાવાદનો વ્યસ્ત ગણાતો અનુપમ બ્રિજ આગામી દિવસોમાં 5 રાત માટે બંધ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાની મહત્વની કામગીરી
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બ્રિજ પરથી બુલેટ ટ્રેનનો રૂટ પસાર કરવા માટે ભારેખમ સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સ્ટીલ ગર્ડર લગાવવાનું કામ અત્યંત જોખમી અને ટેકનિકલ હોવાથી, વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજ બંધ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
જાણો કઈ તારીખો પર અને કયા સમયે બ્રિજ બંધ રહેશે?
મળતી માહિતી મુજબ, જૂન મહિનાની અલગ-અલગ ૫ તારીખો પર આ મેગા બ્લોક રહેશે. જેમાં 3, 5, 10, 13 અને 14 જૂનના રોજ અનુપમ બ્રિજ પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.
રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી બ્રિજ બંધ
જો કે, દિવસ દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે આ કામગીરી માત્ર રાત્રિના સમયે જ કરવામાં આવશે. નિયત કરવામાં આવેલી તારીખોએ રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી આ બ્રિજ પરથી કોઈપણ વાહન પસાર થઈ શકશે નહીં.
વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અપીલ
રાત્રિના સમયે આ રૂટ પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અને ટ્રાફિક પોલીસની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સવારે ૫ વાગ્યા પછી બ્રિજને ફરી પૂર્વવત રીતે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવાશે, જેથી દિવસના ટ્રાફિકને કોઈ અસર થશે નહીં.
આ પણ વાંચો---- Gujarat Latest News LIVE : અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, 100 શંકાસ્પદ પોલીસ કસ્ટડીમાં