કોળી વિરાંગના ઝલકારીબાઈની જન્મ જયંતિને જાહેર રજા કરવાની માંગ સાથે બુધવારે બપોરે 1:30 કલાકે બાવળા મામલતદાર કચેરી ખાતે કોળી તથા ઠાકોર સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે ઠાકોર સમાજના આગેવાન અતુલભાઈ ઠાકોર, એડવોકેટ શૈલેષભાઈ રાઠોડ તેમજ અનિલભાઈ મકવાણા, કોળી સમાજના આગેવાન દિલીપભાઈ ગોહેલ(ગામ કેસરડી, યુવા કાર્યકર અર્જુનભાઈ સહિત યુવાનો હાજર રહ્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ગુજરાતમાં વસતા 1 કરોડ 16 લાખ કોળી સમાજના હૃદયમાં સ્થાન મેળવનાર વિરલ નારી રત્ન ઝલકારીબાઈનો જન્મ તા. 21મી નવેમ્બર 1830 ના રોજ ઝાંસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વર્ષ 1857-58માં દેશ માટે લડતા લડતા ઝાંસીના મહારાણી લક્ષ્મીબાઈ જેવા વિરાંગનાની રક્ષા માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તા. 21મી નવેમ્બરના દિવસે સમગ્ર દેશ અને ગુજરાતમાં કોળી સમાજના લોકો અન્ય સમાજના લોકો સાથે મળીને ગામે-ગામે ટ્રેક્ટર, બળદગાડા, પાલખી જેવા સાધનોમાં શોભાયાત્રા, દીકરીઓને ભેટ અને ભોજન, બ્લડ ડોનેશન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકો માટે રમત-ગમત, ચિત્રકામ, રંગોળી સ્પર્ધા તેમજ મહિલાઓ માટે તલવારબાજી, ફ્ડાબાજી, લાકડી ફેરવવી જેવા કાર્યક્રમો યોજે છે. આમ છતાં આટલા વર્ષોમાં ગુજરાત સરકાર તરફ્થી આ દિવસને રજા તરીકે જાહેર કરવામાં આવ્યો નથી. તેથી તા. 21મી નવેમ્બરને ઝલકારીબાઈ જન્મ જયંતિ તરીકે રજા જાહેર કરવા રજૂઆત કરાઈ છે.
