અમદાવાદના સિન્ધુ ભવન રોડ જેવા પોશ એરિયામાં ઓફ્સિ બનાવી ત્યાંથી લગભગ 78 કિમી દૂર આવેલા લોથલમાં આલિશાન વિલા અને પ્લોટ આપવાની લાલચ આપી લોકોને વેરાન વિસ્તારમાં આવેલી જમીનને નંદનવન જેવી બતાવી લાખો રૂપિયા ખંખેરી લેવાનો ખેલ શરૂ કરાયો હોવાની વિગતો સામે આવી છે. અર્હમ બિલ્ડર્સ નામથી ત્રણ શખ્સોએ આ વેરાન અને ભેંકાર ભાસતા વિસ્તારમાં પાણીના ભાવે જમીન ખરીદી છે અને તેમાં પ્લોટ પાડવાનું અને વિલા બનાવવાનું તરકટ રચી અખબારોમાં તેની મોટી મોટી જાહેરાતો આપી લોકોને ગેરમાર્ગે દોરી આ જમીનમાં રોકાણ કરવા લલચાવવામાં આવી રહ્યા છે.
આર્હમ બિલ્ડર્સે લોથલથી દૂર આવેલા જાખડા અને સરગવાડા ગામની વચ્ચે જે જમીનમાં અર્હમ કળશ-2 નામથી પ્લોટ અને અર્હમ-3 નામથી વિલા બનાવવાની જાહેરાત કરી છે ત્યાં આખું ચોમાસું પાણી ભરેલું રહે છે. આ જમીન સુધી જવા માટે એક સાંકડો અને તૂટેલો ડામરવાળો રસ્તો છે જે એટલો સાંકડો છે કે બે ફેર વ્હીલ વાહનો સામસામેથી પસાર થઈ શકે તેમ નથી. કદાચ બિલ્ડર દ્વારા આ જગ્યા પર મકાન બનાવવામાં આવે તો પણ તે વિસ્તાર એટલો ભેંકાર છે કે કોઈ ત્યાં એક રાત પણ રોકાઈ શકે તેમ નથી. આવી જગ્યાને બિલ્ડરો દ્વારા નંદનવન જેવી હોવાના નકલી ફેટા બનાવી લોકોને લલચાવવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં રહેતા અને કોઇ સારી જગ્યાએ રોકાણ કરવાની ઇચ્છા ધરાવતા લોકો પાસે પૈસા પડાવી લેવાનો કારસો આ બિલ્ડરો દ્વારા ઘડવામાં આવ્યો છે. બિલ્ડરો દ્વારા એવી જાહેરાત કરવામાં આવે છે કે આ સાઈટ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવેની બાજુમાં આવેલી છે પણ હકિકતમાં એક્સપ્રેસ હાઈવે હોવાથી આ રોડ પર માત્ર એન્ટ્રી અને નિકાસથી જ જઈ શકાય છે આવી વ્યવસ્થા આસપાસમાં ક્યાંય નથી. જેથી આવી અંતરિયાળ જગ્યાએ આવેલી જમીનમાં પ્લોટ કે વિલા લેનારને હાઈવેનો કોઈ લાભ મળશે નહીં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: