અમદાવાદ મહાનગરમાં સતત વધી રહેલી શાળાઓની સંખ્યા અને શૈક્ષણિક વહીવટને વધુ વેગવંતો બનાવવાના હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનું વિભાજન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય થોડા સમય પહેલા લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત શહેરમાં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ બે અલગ-અલગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે, જેના ભાગરૂપે રાયખડ સ્થિત ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અમદાવાદ પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીની નવી કચેરીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી રોહીત ચૌધરીએ કહ્યું કે અમદાવાદ શહેરમાં હાલ અંદાજે 2,500 જેટલી શાળાઓ આવેલી છે, જેના કારણે એક જ કચેરી પર વહીવટી ભારણ વધી રહ્યું હતું. હવે આ વિભાજન બાદ અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદાજે 1,400 જેટલી શાળાઓનો સંપૂર્ણ વહીવટ રાયખડ ખાતે શરૂ થયેલી આ નવી કચેરી મારફ્તે કરવામાં આવશે. આ નવી કચેરી કાર્યરત થવાથી પૂર્વ વિસ્તારની શાળાઓના વિવિધ વહીવટી અને શૈક્ષણિક કાર્યોમાં મોટી સરળતા રહેશે.
