નિકોલ વોર્ડમાં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર સુવિધાઓ માટે ફાળવવામાં આવેલો રિઝર્વ પ્લોટ હાલ કચરાના ઢગલામાં ફેરવાઈ ગયો છે. યોગ્ય દેખરેખના અભાવે આ ખુલ્લી જગ્યામાં કચરો, બાંધકામનો કાટમાળ અને ગંદકી ઠલવાઈ રહી છે, જેના કારણે આસપાસની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મહત્વનું છે કે પ્લોટમાં એકત્ર થયેલા કચરા અને પાણીના ભરાવાને કારણે મચ્છર અને જીવાતનો ઉપદ્રવ અસહ્ય રીતે વધી ગયો છે. સ્થાનિકોને ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે. અસહ્ય દુર્ગંધ અને રખડતા પશુઓનો ત્રાસઃ ખુલ્લામાં ફેંકાતા એંઠવાડ અને કચરાના કારણે આખો દિવસ દુર્ગંધ ફેલાયેલી રહે છે, જેનાથી રહીશોને ઘરના બારી-બારણાં બંધ રાખવાની ફરજ પડે છે. ઉપરાંત, કચરો ખાવા માટે રખડતા ઢોર અને શ્વાનના ટોળાં એકઠા થતા રાહદારીઓ અને બાળકો માટે જોખમ ઊભું થયું છે. રાત્રિના સમયે આ અવાવરું અને ખુલ્લા પ્લોટમાં અંધારું હોવાથી અસામાજિક તત્ત્વોનો જમાવડો થતો હોવાની પણ સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે ઔડા દ્વારા જે હેતુસર આ રિઝર્વ પ્લોટ રાખવામાં આવ્યો હતો તે દિશામાં કોઈ કામગીરી થઈ નથી. બીજી તરફ્, મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ તંત્ર દ્વારા પણ આ પ્લોટની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા નક્કર પગલાં ન લેવાતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
