શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પૂર્વ ઝોનમાં જાહેર માર્ગો પર ગંદકી કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે મ્યુનિસિપલ ટીમોએ સપાટો બોલાવ્યો છે


પૂર્વ ઝોન સહિત શહેરના તમામ 48 વોર્ડમાં દૈનિક ધોરણે સફાઈ અને કચરાના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આજ રોજ સવારથી જ સફાઈ કામદારો દ્વારા મુખ્ય રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી

બપોર બાદ ખાસ કરીને ફૂટપાથ અને ઇલેક્ટ્રિક ડી.પી. જેવી જગ્યાઓ પાછળ જમા થયેલા કચરાને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે.પૂર્વ વિસ્તારના રહેણાક અને વાણિજ્યક એકમોમાંથી ડોર-ટુ-ડોર વાહનો દ્વારા કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા સ્ક્વોડ દ્વારા પૂર્વ ઝોનમાં કુલ 190 એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગંદકી અને ન્યૂસન્સ બદલ 40 એકમોને નોટિસ આપી 54,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 120 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ 20 એકમોને નોટિસ ફ્ટકારી 10,000 રૂપિયાનો દંડ વસૂલાયો અને 3.2 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. નિયમોના ભંગ બદલ પૂર્વ ઝોનમાં કુલ 12 જેટલા એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે.

ખાસ કરીને જશોદાનગર, ભાઈપુરા, ઓઢવ અને વટવા જેવા વિસ્તારોમાં કરવામાં આવેલ સીલિંગની કાર્યવાહીથી અન્ય બેદરકાર વેપારીઓમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આ સર્પ્રાઈઝ ચેકિંગ ચાલુ રહેશે. જો કોઈ પણ એકમ ન્યુસન્સ ફેલાવતા અથવા પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખતા ઝડપાશે, તો તેની સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી અને યુનિટ સીલ કરવાની પ્રક્રિયા સઘન બનાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કડક ઝૂંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર આરોગ્યની જાળવણી અને શહેરને 'પ્લાસ્ટિક મુક્ત' બનાવવાનો છે. પૂર્વ ઝોનમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અનેક વેપારી એકમો હજુ પણ 120 માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા માત્ર દંડ જ નહીં, પરંતુ એકમોને સીલ કરવાની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: