વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ, પાણીના પ્રવાહથી અમદાવાદમાં ભૂ-સંરચનાને પણ મોટી અસર થઈ રહી છે.ગુરૂવારની રાતે મોટેરામાં હાઈરાઈઝ સ્કીમના બિલ્ડરે બેઝમેન્ટ માટે ખોદેલા ખાડાથી ભવાની સોસાયટીના ત્રણેક મકાનોની દિવાલો ધરાશાયી થતા અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ આસપાસના રહેણાંકમાં ભયનો માહોલ છવાયો છે. શુક્રવારે વધુ બે બનાવો નોંધાયો છે. જેમાં નારણપુરમાં હાઉસિંગ બોર્ડની ચાલુ સ્કીમના ખાડાની ડાયાફ્રામ વોલ તુટતા નજીકના લક્ષ્મીકૃપા એપોર્ટમેન્ટના બે બ્લોકના 24 કુટુંબને ભર ચોમાસે ઘર વિહોણા થવાનો આરો આવ્યો છે.

નારણપુરા જ નહિ, પોશ ગણાતા સિંધુ ભવન રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગને અડીને આવેલી કન્સ્ટ્રક્શન સાઈટના 40-50 ફુટ ઊંડા ખાડાની ડાયાફ્રામ ધોવાતા આસપાસ રહેલી ત્રણેક બિલ્ડીંગને નુકશાન પહોંચ્યાના અહેવાલો છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જ પાર્કિંગની દિવાલ તુટી પડી છે. જ્યારે એક બિલ્ડીંગના વીજ મીટરો ધરાયશી થયા છે, પાર્કિંગ માટેનો રેમ્પ અને કમ્પાઉન્ડ વોલને પણ ખાસ્સુ એવુ નુકશાન થયુ છે. અમદાવાદમાં વરસાદ હોવાથી આવી કન્સ્ટ્રક્શન સાઈટ ઉપરનું કામ બંધ હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ, હાઈરાઈઝ બિલ્ડીંગના બાંધકામમાં બેઝમેન્ટ માટે ખોદવામા આવતા ખાડા અને તેની તમામ પ્રોસિજર્સ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડાના ઈજનેરોના ઈન્સ્પેક્શનને અભાવે ભવિષ્યમાં મોટુ જોખમ, ભૂ-સંરચનાને અસર થવાની ભીતી સેવાઈ રહી છે. માત્ર 24 કલાકના અંતરાલમાં જ અમદાવાદમાં ત્રણ જેટલી બાંધકામ સાઈટના બેઝમેન્ટની ડાયાફ્રામ તુટી છે. જેની સામે અધિકારીઓએ ચૂપકીદી સેવી છે. નારાણપુરામાં તો હાઉસિંગ બોર્ડની જ સ્કીમની ડાયાફ્રામ વોલ તુટી છે. જેના કારણે લક્ષ્મીકૃપા સોસાયટીના 24 મકાનોને ખાલી કરાવી રહીશોને સગા- સંબંધીઓના ઘરે રહેવા જવુ પડયુ છે. આ કુટુંબોનો દાવો છે કે, બોર્ડના અધિકારીઓની મિલીભગતના લીધે બિલ્ડરો મનફાવે તેમ વર્તે છે. અહીં સાઈટ ઉપર મજૂરો પણ કામ કરતા હતા.