સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, વર્ષ 2030ના Centenary Commonwealth Gamesની યજમાની અમદાવાદને મળી છે. આ મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ ભારતનું એક ડેલિગેશન ગ્લાસગો પહોંચ્યું હતું. આ જાહેરાત સાથે જ ભારત બીજી વખત આ વૈશ્વિક સ્તરની ગેમ્સનું આયોજન કરવાનો મોકો પ્રાપ્ત કરશે. આ અગાઉ ભારતે 2010માં નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કર્યું હતું.
રમત ગમત મંત્રીએ વ્યક્ત કરી ગૌરવની લાગણી
અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવાની સત્તાવાર મંજૂરી મળતા, રાજ્ય સહિત સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના રમત ગમત મંત્રી ડૉ. જયરામ ગામીતે આ અંગે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 2030 માં કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે, તે રાજ્ય સહિત સમગ્ર દેશ માટે ગૌરવની લાગણી વ્યાપી છે. ખાસ કરીને ગુજરાત અને દેશના રમતવીરો તેમજ રમત પ્રેમીઓ માટે આ ખુબ ખુશીના સમાચાર બન્યા છે.













