ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય કાર્યાલય રાજીવ ગાંધી ભવન બહાર ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના સાંસદ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજામ સામે જાતીય સતામણીના આક્ષેપોના મુદ્દે ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ હાઈકમાન્ડ અને રાહુલ ગાંધીને નિશાન બનાવ્યાં હતાં. વિરોધ દરમિયાન એક કચોરી, દો સમોસા, રાહુલ તેરા ક્યા ભરોસા, કોંગ્રેસ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. ભાજપ પ્રદેશ મહિલા મોરચાનાં કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય બહાર એકત્રિત થઈ હતી. રાજય સરકારના કેબિનેટ મંત્રી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય પાયલ કુકરાણી સહિતનાં આગેવાનોની હાજરીમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલય તરફ્ આગળ વધવાનો પ્રયાસ કરી રહેલી મહિલા કાર્યકરોને પોલીસે બેરિકેડિંગ કરીને અટકાવી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મહિલા કાર્યકરોએ રસ્તા પર બેસીને ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શનને પગલે રાજીવ ગાંધી ભવન બહાર 600થી વધુ પોલીસકર્મીઓ તહેનાત કરાયા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા ત્રણ સ્તરે બેરિકેડિંગ ગોઠવાયું હતું. ભાજપ મહિલા મોરચાની આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે મહિલા સુરક્ષાના મુદ્દે કોંગ્રેસનું વલણ બેવડાં ધોરણો ધરાવે છે. તેમણે આક્ષેપોનો સામનો કરી રહેલા સાંસદ સામે કોંગ્રેસ હાઈકમાન્ડ કડક શિસ્તભંગનાં પગલાં ભરે તેવી માગ કરી હતી.
