એન્ટિબાયોટિક્સ દવાઓના બિનજરૂરી અને આડેધડ ઉપયોગને કારણે ઊભા થતા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ ના ગંભીર જોખમ સામે સમાજમાં જાગૃતિ લાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ AMR અવેરનેસ વીક 2026 ની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ રેલીમાં 400 જેટલા તબીબો, નર્સિંગ સ્ટાફ્ અને વિદ્યાર્થીઓએ થીમ આધારિત બ્લુ કેપ પહેરીને લોકોને એન્ટિબાયોટિક્સના જવાબદારીપૂર્વકના ઉપયોગનો સંદેશ આપ્યો હતો. મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતેથી તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીના હસ્તે લીલી ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અમદાવાદ મેડિકલ એસોશિએશનના હોદ્દેદારો તેમજ ક્લિનિકલ અને નોન-ક્લિનિકલ વિભાગના વડાઓ, તબીબી-નર્સિંગ સ્ટાફ્ તેમજ મેડિકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા. ટ્રોમા સેન્ટરથી શરૂ થયેલી આ રેલી બી.જે. મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજ પરિસરમાં ફરીને 1200 બેડ હોસ્પિટલ ખાતે સંપન્ન થઈ હતી. સમાપન સમયે ડો. રાકેશ જોષીએ ઉપસ્થિત સૌને એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ અટકાવવા માટેના શપથ લેવડાવ્યા હતા.
