અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના એક કુખ્યાત અને વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ કાર્યવાહી કરે તે પહેલા જ આરોપીનું ચોથા માળેથી નીચે પટકાવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
મૃતક આરોપીની ઓળખ મહાવીર સિંધવ તરીકે થઈ
મૃતક આરોપીની ઓળખ મહાવીર સિંધવ તરીકે થઈ છે, જેની સામે અગાઉથી જ સુરેન્દ્રનગરમાં પ્રોહિબિશન સહિતના અલગ-અલગ ૫ ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને પોલીસ લાંબા સમયથી તેની શોધખોળ કરી રહી હતી.
નશામાં ધૂત થઈને સ્થાનિક લોકો સાથે તકરાર કરતો હતો
મળતી વિગતો મુજબ, આરોપી મહાવીર સિંધવ બોપલના ઘુમા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં છુપાયો હતો. સોમવારે રાત્રે તે દારૂના નશામાં ધૂત થઈને સ્થાનિક લોકો સાથે ભારે હોબાળો અને તકરાર કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી સેટેલાઇટ પોલીસની ટીમને મળી હતી. આ માહિતીના આધારે સેટેલાઇટ પોલીસની ટીમ તાત્કાલિક લોકેશન પર પહોંચી હતી અને આરોપી જે ફ્લેટમાં હતો ત્યાં દરોડો પાડવા માટે સીડીઓ ચડી રહી હતી.
બચવા માટે ભાગતા ચોથા માળેથી પટકાયો
પોલીસ આવી પહોંચી હોવાની ગંધ આવી જતાં અને કાયદાના સકંજામાંથી બચવા માટે મહાવીર સિંધવે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ સત્તાવાર કાર્યવાહી શરૂ કરે કે તેને કોર્ડન કરે તે પહેલા જ તે ચોથા માળેથી નીચે પટકાયો હતો. ચોથા માળેથી નીચે પટકાતાં જ તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને જોતજોતામાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર બિલ્ડિંગ અને પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બોપલ પોલીસે તપાસ શરુ કરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક બોપલ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બોપલ પોલીસે હાલમાં આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે અને આરોપી બિલ્ડિંગ પરથી કૂદ્યો હતો કે ભાગવા જતાં પગ લપસ્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : આબુમાં લગ્ન સમારંભમાં ગુજરાતી યુવકની હત્યા