અમદાવાદ શહેરના પોશ ગણાતા બોપલ વિસ્તારમાંથી શાકાહારી નાગરિકોની ધાર્મિક લાગણી દુભાવતો અને ફૂડ સેફ્ટી સામે સવાલો ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોપલમાં આવેલી આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઈન 'મેકડોનાલ્ડ્સ' ની બ્રાન્ચ દ્વારા એક ગ્રાહકને ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી કરી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો છે. પવિત્ર દિવસોમાં શુદ્ધ શાકાહારી ભોજનની અપેક્ષા રાખતા ગ્રાહકને આ ઘટનાથી અત્યંત કડવો અને આઘાતજનક અનુભવ થયો છે.

વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો.

મળતી માહિતી મુજબ, સ્થાનિક ગ્રાહકે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ મારફતે બોપલ મેકડોનાલ્ડ્સ આઉટલેટમાંથી શુદ્ધ વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર ઘરે પહોંચ્યા બાદ જ્યારે ગ્રાહકે ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમાં નોનવેજ પેટી હોવાનું માલૂમ પડ્યું હતું.

ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું

આ ગંભીર ભૂલ અંગે જ્યારે ગ્રાહકે જાગૃત નાગરિક તરીકે મેકડોનાલ્ડ્સના સ્ટોર પર રૂબરૂ જઈને રજૂઆત કરી, ત્યારે ત્યાંના સંચાલકો અને સ્ટાફ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. સ્ટોર મેનેજમેન્ટે આ ગંભીર બેદરકારી સ્વીકારવામાં ભારે આનાકાની કરી હતી.

https://youtu.be/8PGQ17KPczA 


ધાર્મિક પવિત્રતાના નિયમોનું અહીં સરેઆમ ઉલ્લંઘન

પીડિત ગ્રાહકે આઉટલેટની મુલાકાત લીધા બાદ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે કે, મેકડોનાલ્ડ્સના કિચનમાં વેજ અને નોનવેજ બંને પ્રકારની ખાદ્યસામગ્રીઓ કોઈ પણ જાતના ભેદભાવ વગર એકસાથે રાખવામાં આવે છે. હાઇજીન અને ધાર્મિક પવિત્રતાના નિયમોનું અહીં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને આસ્થા સાથે ચેડાં કરતી આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ગ્રાહક દ્વારા આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફૂડ ડિપાર્ટમેન્ટમાં સત્તાવાર ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આ આઉટલેટ સામે કડક કાયદાકીય તપાસ અને સીલિંગની કાર્યવાહી થઈ શકે.

https://epapercdn.sandesh.com/images/2026/06/06/ATAmzEpNOKdLvvzcaZSkUTt0X2QHzctH88UdWBqs.pdf


ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખોરાક પીરસવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ


મેકડોનાલ્ડ્સ કંપનીએ તેમના ગ્રાહકોની સુરક્ષા અને સંતોષને સર્વોચ્ચ અગ્રતા આપતા એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે તેઓ હંમેશાં સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખોરાક પીરસવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ માટે તેમની સમગ્ર સપ્લાય ચેઈન અને કિચન ઓપરેશન્સમાં ફૂડ સેફ્ટી, સ્વચ્છતા અને ક્વોલિટી એશ્યોરન્સના અત્યંત કડક પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે.ભારતીય ગ્રાહકોની આસ્થા અને પસંદગીને ધ્યાનમાં રાખીને મેકડોનાલ્ડ્સના કિચનમાં શાકાહારી અને માંસાહારી ખોરાક રાંધવા માટે તદ્દન અલગ વ્યવસ્થા રાખવામાં આવે છે. બંને પ્રકારના ભોજન માટે અલગ-અલગ સેક્શન, સમર્પિત ખાસ સાધનો અને વિશેષ તાલીમ પામેલી ટીમો કાર્યરત હોય છે, જે સ્વચ્છતાના કડક ધોરણોનું પાલન કરે છે. આ ઉપરાંત, રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકો સાથે અત્યંત નમ્ર, સૌહાર્દપૂર્ણ અને વ્યાવસાયિક રીતે વર્તવા માટે પણ સ્ટાફને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. કંપની પોતાની તમામ શાખાઓ અને કામગીરીમાં આ ઉચ્ચ ધોરણોને જાળવી રાખવા માટે સતત પ્રતિબદ્ધ છે. 


આ પણ વાંચો----     Gujarat Latest News live : રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા મુદ્દે વિવાદ, પુરુષોત્તમ પીપળીયાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યુ