ચાર દિવસ બાદ પણ બોપલ, શેલા, ઘુમાના અનેક વિસ્તારો, સોસાયટીઓ, ફ્લેટો, કોમ્પ્લેક્ષોના બેઝમેન્ટોમાં વરસાદી પાણી ભરાયેલાં પડયાં છે! સ્માર્ટ સિટીની આ વાસ્તવિકતા છે કે ત્રણ વિસ્તારોના હજારો લોકો વરસાદી પાણી વચ્ચે યાતનાસભર દિવસો વિતાવી રહ્યા છે. ઘુમાના ઋષિકેશ પાર્કના 148 મકાનોના હજારો રહીશો ઘરોમાં કેદ છે. ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. રહીશોએ વારંવાર મ્યુનિ. કંટ્રોલ રૂમમાં કોલ કર્યા, ફરિયાદો લખાવી છતાંય આજદિન સુધી તંત્ર મદદે આવ્યું નથી! હાલમાં પણ ઢીંચણસમા પાણી આખી સોસાયટીમાં ભરાયેલાં છે. ગટરો બેક મારી રહી છે. ઘરવખરીને પારાવાર નુકસાન થયું છે. ગાલા જીમખાના રોડ પર આવેલા ગાલા હબ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં હજુ પાણી ખાનગી ટેન્કરોની મદદથી ઉલેચાઈ રહ્યાં છે. બોપલની ડીપીએસ સ્કૂલનું સંકુલ પાણીમાં ગરકાવ છે. ઈસરોમાં ઢીંચણસમા પાણી ભરાયેલાં પડયાં છે, જેને પણ સતત ઉલેચવાની કામગીરી ચાલી રહી છે. ઘુમા ગામના ચુનારાવાસમાં ગટરના પાણી ફરી વળ્યાં છે. લોકો અસહ્ય દુર્ગંધ, ગંદકી વચ્ચે દિવસો વિતાવી રહ્યા છે.

શેલા ગામના બેથી વધુ રોડ ભૂવા પડવાથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. દરેક રોડ પરની તમામ ગટરો ધમધોકાટ ઉભરાઈ રહી છે. મોટાભાગના રોડ તૂટી ગયા છે. આર્યન આવિષ્કાર ફ્લેટના બેઝમેન્ટમાં પાણી ભરાયેલાં છે. ખાનગી પાણીના ટેન્કરોની માગ એકાએક વધી જતાં ટેન્કરો મોડી રાત સુધી દોડી રહ્યાં છે. લોકો પીવાનું શુદ્ધ પાણી શોધી રહ્યા છે. સ્થાનિક ટેન્કરચાલકોના મતે શેલામાં રોજના 50થી વધુ ખાનગી પાણીના ટેન્કરોની માગ છે. લોકો મોંમાગ્યો ભાવ આપીને પણ પાણી મંગાવી રહ્યા છે. કોર્પોરેશન રહીશોને ટેન્કરો મારફ્તે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં પણ સદંતર નિષ્ફ્ળ નીવડયું હોવાની ફરિયાદો રહીશો કરી રહ્યા છે. ઘુમાની આંગણવાડી છેલ્લા ચારેક દિવસથી પાણીમાં ડૂબેલી છે. કમલા વિહાર ફ્લેટની બહાર ઢીંચણસમા પાણી ભરાયેલાં હોવાથી ફ્લેટના રહીશો ફ્લેટોમાંથી નીચે ઉતરી શકતા નથી.