આજે લાર્જ-મિડ અને સ્મોલ કેપ એ ત્રણેય સેગમેન્ટમાં તેજી સાથે બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 485.80 લાખ કરોડની તેની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. આ સાથે જુલાઇ મહિનામાં બીએસઇ એમ કેપએ પાંચ વાર નવી વિક્રમી ટોચ કાયમ કરી છે. અગાઉ 21 જુલાઇએ બીએસઇ એમ કેપ રૂ. 484.29 લાખ કરોડની સર્વાધિક સપાટીએ પહોંચ્યું હતું. એ સિવાય 6, 13 અને 21 જુલાઇએ પણ બીએસઇ એમ કેપએ નવી વિક્રમી ટોચ કાયમ કરી હતી. આજની તેજીને પગલે ભારતીય શેરબજાર સતત ત્રીજા સેશનમાં તેજી સાથે બંધ રહ્યું હતું.

આજે મીડિયા, ઓટો તથા એનબીએફસી કંપનીઓના શેરોમાં જબરજસ્ત તેજીનો માહોલ હતો. જોકે સરકારી તથા ખાનગી બેકોમાં તેજી એકદમ મંદ હતી. ડિફેન્સિવ બેટ ગણાતા ફાર્મા શેરોમાં આજે પણ તેજી અકબંધ રહેતા નિફ્ટી ફાર્મા અને હેલ્થકેર ઇન્ડેક્સે આજે પણ નવી વિક્રમી ટોચ બનાવી હતી. આઇટી શેરોમાં સતત પાંચ સેશનમાં નોંધપાત્ર તેજી પછી આજે ઘટાડો જોવા મળતા નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1.56 ટકા ઘટયો હતો. અગાઉના પાંચ સેશનમાં આ ઇન્ડેક્સમાં 9.66 ટકાનો વધારો નોંધાયો હતો. લાર્જ કેપની તુલનાએ મિડ કેપ અને સ્મોલ કેપ બન્ને શેરોએ આઉટપર્ફોમ કર્યું હતું. નિફ્ટીમાં 0.27 ટકાના વધારાની તુલનાએ નિફ્ટી મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 બન્ને ઇન્ડેક્સ 0.44 ટકા વધ્યા હતા. વધુ મહત્ત્વની વાત એ છે કે વોલેટાલિટી ઇન્ડેક્સ 3.26 ટકાના ઘટાડા સાથે 11.76ની સપાટીએ બંધ રહ્યો હતો. નિષ્ણાતોના મતે આજે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ અને આઇટી શેરોમાં વેચવાલીને પગલે વધારો સીમિત રહ્યો હતો. આ સાથે સેન્સેક્સ અને નિફ્ટી સાપ્તાહિક ધોરણે 2.6 ટકાના વધારા સાથે બંધ રહ્યા હતા.

પ્રારંભે 70 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 78,272ની હાઇ અને 77,809ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 463 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 166 પોઇન્ટ એટલે કે 0.21 ટકા વધીને 78,000નું સ્તર પાર કરી 78,094ની સપાટીએ બંધ રહ્યો હતો. એક સમયે સેન્સેક્સ પાછલા બંધથી 344 પોઇન્ટ વધ્યો હતો અને અંતે વધેલા મથાળેથી 178 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટી પણ પ્રારંભે 44 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 24,429ની હાઇ અને 24,299ની લો સપાટી બનાવી હતી અને કુલ 130 પોઇન્ટની વધઘટને અંતે 66 પોઇન્ટ એટલે કે 0.27 ટકા વધીને 24,383ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ટ્રા ડેમાં પાછલા બંધથી 112 પોઇન્ટ વધ્યો હતો અને અંતે વધેલા મથાળેથી 46 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટી મિડ કેપ 100 ઇન્ડેક્સ 273 પોઇન્ટ એટલે કે 0.44 ટકા વધીને 62,915ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ 85 પોઇન્ટ એટલે કે 0.44 ટકા વધીને 19,339ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ 725 પોઇન્ટ એટલે કે 0.73 ટકા વધીને 1,00,362ની સપાટીએ બંધ રહ્યો હતો.

બીએસઇ પર ટ્રેડ થયેલા કુલ 4,425 શેર પૈકી 2,569 વધીને, 1,656 ઘટીને અને 200 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 485.80 લાખ કરોડ એટલે કે 5.09 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇ કાલના રૂ. 483.22 લાખ કરોડથી રૂ. 2.58 લાખ કરોડનો વધારો દર્શાવે છે. વોલેટાલિટી ઇન્ડેક્સ 3.29 ટકા ઘટીને 11.76ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇ પરના 14 મુખ્ય સેક્ટોરલ ઇન્ડેક્સ પૈકી 11 વધીને અને ત્રણ ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી મીડિયા 2.09 ટકા, ઓટો 1.64 ટકા, ફાઇનાન્શિયલ સર્વિસીસ 1.31 ટકા અને ઓઇલ એન્ડ ગેસ 1.08 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી આઇટી 1.56 ટકા, એફએમસીજી 1.05 ટકા અને કન્ઝયુમર ડયુરેબલ્સ 0.44 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સે આજે સતત ત્રીજા દિવસે 26,734ની નવી વિક્રમી ટોચ બનાવી હતી અને અંતે 188 પોઇન્ટ એટલે કે 0.72 ટકા વધીને 26,534ની સપાટીએ બંધ રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સે પણ સતત સતત સેશનમાં 16,875ની નવી વિક્રમી ટોચ બનાવી હતી અને અંતે 56 પોઇન્ટ એટલે કે 0.33 ટકા વધીને 16,755ની નજીક બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 30 શેરો પૈકી 16 શેરો અને નિફ્ટીના 50 પૈકી 28 શેરો વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી બજાજ ફાઇનાન્શ 8.11 ટકા, બજાજ ફિનસર્વ 6.60 ટકા, એમ એન્ડ એમ 3.58 ટકા, અદાણી પોર્ટ્સ 2.12 ટકા અને ટાટા સ્ટીલ 1.52 ટકા વધ્યો હતો, જ્યારે ટીસીએસ 2.73 ટકા, ઇટર્નલ 2.72 ટકા, ઇન્ફોસીસ 2.26 ટકા, આઇટીસી 1.51 ટકા અને ઇન્ડિગો 1.17 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો