અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે અસારવા રેલવે ઓવરબ્રિજ ની બંને બાજુના પિયર્સ અને પાઈલ કેપ્સમાં નડતરરૂપ બનતા ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન અંદાજે 200 ચોરસ મીટર જેટલી દબાણવાળી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. શહેરના ટાઉન પ્લાનિંગ રોડ પર આવેલા આ દબાણોમાં અંદાજે 10 જેટલા કાચા-પક્કા અને કાયમી દબાણોનો સમાવેશ થતો હતો, જેમાં ઓટલા, ઝૂંપડા અને દુકાનોના ગેરકાયદેસર વધારાના ભાગો મુખ્ય હતા. આ અનધિકૃત બાંધકામો એવા વિસ્તારોમાં આવેલા હતા જ્યાં બ્રિજના રેમ્પ ઉતરે છે. ઉલ્લેખનીય છે કે,AMC દ્વારા દાયકાઓ જૂના અસારવા બ્રિજને એક વર્ષ અગાઉ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો અને હાલ ત્યાં બ્રિજના રીડેવલપમેન્ટની કામગીરી યુદ્ધના ધોરણે ચાલીરહી છે.
