ગુજરાત હાઇકોર્ટે આસારામ સાથે સંકળાયેલા આશ્રામ ટ્રસ્ટને મોટો ઝટકો આપતા વચગાળાની રાહત આપવા ઇન્કાર કર્યો છે. કોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવી આશ્રામ દ્વારા કબજા કરાયેલી કિંમતી સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો માર્ગ મોકળો કર્યો છે.મળતી માહિતી મુજબ, અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ આશરે 45,000 ચોરસ મીટર જેટલી જમીન, જેની બજાર કિંમત લગભગ 500 કરોડ રૂપિયા મનાય છે. ધાર્મિક હેતુ માટે શરતી ફળવણી કરાઈ હતી જો કે સમય જતા આશ્રામ ટ્રસ્ટ દ્વારા આ શરતોનો ભંગ કરાયા હોવાના આક્ષેપો થયા હતાં. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે આશ્રામે મંજૂરી વિના વધારાના બાંધકામ કર્યા, વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ કરી અને નક્કી કરેલી મર્યાદાથી વધુ જમીન પર કબજો કર્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટએ નોંધ્યું કે ટ્રસ્ટ દ્વારા વારંવાર નિયમોનો ભંગ કરાયો છે જેના કારણે તેને આદત મુજબ ગુનો કરનાર તરીકે ગણવામાં આવ્યો. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે કાયદાનો ભંગ કરીને ઉભા કરાયેલા 32 બાંધકામોને કોઈપણ પરિસ્થિતિમાં કાયદેસર બનાવી શકાતા નથી.
જમીનનો ઉપયોગ ભવિષ્યમાં રમતગમતના માળખાકીય વિકાસ માટે થઈ શકે
આ નિર્ણય બાદ હવે સરકારને આશ્રામની જમીન પરનો કબજો પાછો મેળવવાનો અને ગેરકાયદેસર બાંધકામો તોડવાનો અધિકાર મળી ગયો છે. સૂત્રો મુજબ, આ વિસ્તારમાં 30થી વધુ ગેરકાયદેસર માળખાં હોવાની શક્યતા છે, જેને ટૂંક સમયમાં દૂર કરવામાં આવી શકે છે.સરકાર તરફ્થી પણ સંકેત અપાયા છે કે જમીનનો ઉપયોગ ભવિષ્યમાં જાહેર હિત માટે, ખાસ કરીને રમતગમતના માળખાકીય વિકાસ માટે થઈ શકે છે. આ હાઇકોર્ટના નિર્ણયને કાનૂની રીતે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે, કારણ કે તે જાહેર જમીનના ગેરવપરાશ સામે કડક સંદેશ આપે છે.
અંદાજે 33,980 ચો.મી જમીન ફાળવાઈ હતી
વિવાદના કેન્દ્રમાં રહેલી આશરે 33,980 ચોરસ મીટર જમીન દાયકાઓ પહલાં મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે કડક શરતો સાથે આસારામ આશ્રામને ફળવાઈ હતી. જો કે, આસારામ અને તેના મળતિયાઓ દ્વારા આશ્રામની મર્યાદા કરતા વધુ લગભગ 50,000 ચોરસ મીટર સુધી અતિક્રમણ થઇ ગયા હોવાનું ધ્યાને આવતાં આસારામ આશ્રામની ગેરકાયદે પ્રવૃત્તિ સરકાર અને સત્તાવાળાઓની આંખે ચઢી હતી. રાજ્ય સરકાર તરફ્થી હાજર રહેલા ગવર્મેન્ટ પ્લીડર જી. એચ. વિર્ક દ્વારા જીપીએસ आधारિત સેટેલાઈટ માપણી અને અત્યાધુનિક નકશાઓ રજૂ કરાયા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો