શહેરના દક્ષિણ છેડે, વિવેકાનંદનગરથી હાથીજણને જોડતા એક નવા અને મહત્વકાંક્ષી બ્રિજનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બ્રિજ બંને વિસ્તારોના ટ્રાફ્કિની સમસ્યા હલ કરવા માટે અને કનેક્ટિવિટી વધારવા માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. પરંતુ, આ વિકાસ પ્રોજેક્ટ હવે વિવાદના મધપૂડા જેવો બની ગયો છે, કારણ કે આ બ્રિજના અલાઈનમેન્ટમાં એક અત્યંત જૂનું અને કદાવર વડનું વૃક્ષ આવી રહ્યું છે, જેને કાપવાની તૈયારીઓ ચાલી રહી છે. મહત્વનું છે કે, આ એવો વડ છે જેની છાયામાં અનેક પેઢીઓ મોટી થઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ વડ માત્ર એક વૃક્ષ નથી, પણ તેમની આસ્થાનું કેન્દ્ર છે. સ્થાનિકો આ વડની વર્ષોથી નિયમિત પૂજા કરે છે. વડના મૂળિયાંમાં નાના દેવસ્થાનો પણ સ્થાપિત છે, જ્યાં શ્રદ્ધાળુઓ દીવા-અગરબત્તી કરે છે. એવા દેવતાઈ તરીકે ઓળખાતા આ વડને કાપવાની વાત સાંભળીને સ્થાનિક વસ્તીમાં ભારે ગભરાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ વડ અંદાજે 150 થી 200 વર્ષ જેટલો જૂનો હોઈ શકે છે. વડના કદ, તેના થડની જાડાઈ અને તેની જમીનમાં ઉતરેલી અસંખ્ય વડવાયો જોઈને તેની પ્રાચીનતાનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. આ સદીઓ જૂનો વડ કોઈ પણ સમયે કપાવાની આશંકા વચ્ચે, સ્થાનિક લોકો મુખ્યમંત્રી, મ્યુનિસિપલ કમિશનર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને હૃદયપૂર્વકની વિનંતી કરી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે આ માત્ર એક વૃક્ષ નથી, પણ તેમની સંસ્કૃતિ અને આસ્થાનો એક ભાગ છે. વિકાસની જરૂરિયાત સ્વીકારીને પણ, જો કોઈ વિકલ્પ ઉપલબ્ધ હોય, તો સરકાર તેની પર વિચારણા કરે અને આ ઐતિહાસિક વિરાસતને આવનારી પેઢીઓ માટે સાચવી રાખે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો