ચંડોળા તળાવના બ્યુટિફ્કિેશન અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જે પરિવારોના ઘર અને ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા, તે અસરગ્રસ્તોનો રોષ આજે ચરમસીમાએ જોવા મળ્યો હતો. વૈકલ્પિક રહેઠાણની ફાળવણીમાં થઈ રહેલા વિલંબના વિરોધમાં આજે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન કચેરી ખાતે ઉમટી પડયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મહત્વનું છે કે તળાવના વિકાસ કામો માટે તંત્ર દ્વારા અગાઉ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સેંકડો પરિવારો ઘરવિહોણા બન્યા હતા. લાંબો સમય વીતવા છતાં હજુ સુધી નવા મકાનોની ફાળવણી ન થતા અસરગ્રસ્તોમાં ભારે નારાજગી હતી. આજે રજૂઆત કરવા આવેલા મહિલાઓ અને પુરુષો સહિતના ટોળાએ સીધા જ દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઓફ્સિમાં ઘૂસી જઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આક્રોશિત લોકોએ અમને નવા ઘર આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની પાસે છત ન હોવાની વ્યથા ઠાલવતા ડેપ્યુટી કમિશનરની ચેમ્બરમાં જ નીચે જમીન પર સૂઈ જઈને ધરણા શરૂ કરી દીધા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે કચેરીમાં દોડધામ મચી ગઈ હતી અને તંત્ર પણ ચોંકી ઉઠયું હતું.

પરિસ્થિતિ વણસતી જોઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે વિરોધ કરી રહેલા લોકો સાથે સંવાદ સાધ્યો હતો. કમિશનરે અસરગ્રસ્તોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળી, આ મામલે યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે રહેઠાણ અંગેનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. અધિકારીના હકારાત્મક આશ્વાસન બાદ લોકોનો ગુસ્સો શાંત પડયો હતો અને તેઓએ વિરોધ સમેટી લીધો હતો. જોકે, સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં નક્કર કાર્યવાહી નહીં થાયતો આગામી દિવસોમાં ફરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો