પૂર્વ અમદાવાદના ઔદ્યોગિક હબ ગણાતા વટવા, ઓઢવ, નિકોલ, નરોડા અને કઠવાડા વિસ્તારની GIDC અને ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કેટલાક બેફામ ઉદ્યોગકારો દ્વારા પર્યાવરણના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, આ વિસ્તારોમાં આવેલા એકમો દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વિનાનું અત્યંત જોખમી અને કેમિકલયુક્ત પાણી રાત્રિના અંધારામાં ખુલ્લી જગ્યાઓ, ગટરો અને વરસાદી પાણીના નિકાલની લાઈનોમાં છોડી દેવામાં આવે છે. આ ગંભીર સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના અધિકારીઓ મૌન સેવી રહ્યા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે દિવસ દરમિયાન તપાસનો ડર હોવાથી ઉદ્યોગકારો રાત્રે 11 વાગ્યા પછીથી વહેલી સવાર સુધીના સમયગાળામાં કેમિકલયુક્ત પાણી છોડે છે. ટેન્કરો મારફ્તે અવાવરું જગ્યાઓ પર કે સીધા ડ્રેનેજ લાઈનમાં આ ઝેરી કચરો ઠાલવવામાં આવે છે. વહેલી સવારે જ્યારે લોકો ઘરની બહાર નીકળે છે ત્યારે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાયેલી હોય છે અને રસ્તાઓ પર લાલ, લીલા કે કાળા રંગનું ફીણવાળું પાણી વહેતું જોવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો