દસ્ક્રોઈ તાલુકાના ગત્રાડ ગામમાં ગોચર તેમજ અવાવરું વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કેમિકલ વેસ્ટ ઠાલવાતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગામના વિવિધ વિસ્તારોમાં કેમિકલના ઢગલા જોવા મળી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. કેમિકલના કારણે કેટલાક વિસ્તારોમાં આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ સર્જાતી હોવાની ફરિયાદો ઉઠી છે. ગ્રામજનોએ પ્રદૂષણ નિયંત્રણ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગત્રાડ ગામની ગોચર જમીન અને અન્ય જાહેર વિસ્તારોમાં પીળા, લાલ તથા ભૂરા રંગના રાસાયણિક કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો છે. કેટલાક સ્થળોએ ગોચરની જમીનમાંથી માટી કાઢી ઊંડા ખાડા બનાવવામાં આવ્યા હોવાનું અને તેમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. એસિડયુક્ત માટી અને અન્ય જોખમી રાસાયણિક પદાર્થોના કારણે પર્યાવરણ અને માનવ આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરી, જવાબદાર ફેક્ટરીઓ અને સંકળાયેલા તત્વોને નોટિસ ફ્ટકારી દંડનીય કાર્યવાહી કરવામાં આવે, જેથી જાહેર સ્થળોએ જોખમી કેમિકલ વેસ્ટ ઠાલવવાની પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ આવી શકે.

Navsariમાં ACBની સફળ ટ્રેપ: જમીનની કામગીરી માટે લાંચ લેતા જિલ્લા તલાટી મંડળના પ્રમુખ સહિત બે રંગેહાથ ઝડપાયા









