પૂર્વ અમદાવાદના ઠક્કરબાપાનગર વોર્ડમાં અંબિકા સોસાયટી પાસે આવેલા મ્યુનિસિપલ ગાર્ડનમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગાર્ડનમાં ચોખ્ખા અને પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની કોઈ કાયમી વ્યવસ્થા ન હોવાથી અહીં આવતા નાના ભૂલકાંઓ અને સિનિયર સિટીઝનોને તરસ્યા રહેવાનો વારો આવે છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા ગાર્ડન ખાતાના સિનિયર અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. જોકે, તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવાને બદલે માત્ર એક માટલું મૂકીને સંતોષ માની લેવામાં આવ્યો છે. આ માટલા મોટાભાગે ખાલી જ જોવા મળે છે, અને જો તેમાં પાણી હોય તો તે પીવાલાયક હોતું નથી. બીજી તરફ્, ગાર્ડનમાં વોટરકૂલર મૂકવાની માંગ સામે અધિકારીઓ એવો ઉડાઉ જવાબ આપી રહ્યા છે કે, સ્થાનિક કોર્પોરેટર દ્વારા બજેટ પાસ કરવામાં આવે ત્યારબાદ જ અહીં વોટરકૂલર મૂકી શકાય. પીવાના પાણી ઉપરાંત ગાર્ડનની જાળવણીમાં પણ અણઘડ વહીવટ સામે આવ્યો છે. સવારના સમયે જ્યારે મોટી સંખ્યામાં નાગરિકો મોર્નિંગ વોક અને યોગા કરવા માટે ગાર્ડનમાં આવતા હોય છે, બરાબર તે જ સમયે સફાઈ કામદારો દ્વારા ઝાડુ મારવામાં આવે છે, જેનાથી ધૂળની ડમરીઓ ઉડે છે. તો ક્યારેક વહેલી સવારે બેફામ પાણી છાંટી દેવામાં આવતા વોકિંગ ટ્રેક પર લપસવાની અને કપડાં બગડવાની સમસ્યા ઊભી થાય છે, જેના કારણે યોગા અને કસરત કરનારા લોકોની એકાગ્રતા અને સ્વાસ્થ્યમાં ખલેલ પહોંચે છે.
