અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો વધુ જટિલ બની રહ્યો છે. શરૂઆતમાં ઢોંસાનું ખીરું ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શંકા હતી, પરંતુ તપાસ દરમિયાન ચોંકાવનારા વળાંકો આવતા હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો દોર સંભાળ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે મૃતક બાળકીઓના માતા, પિતા, દાદા અને દાદીની ઉલટ તપાસ શરૂ કરી છે.
પુત્રની ઘેલછામાં બાળકીઓની હત્યા થઈ હોવાની આશંકા
તપાસ દરમિયાન પોલીસને પિતા વિમલ પ્રજાપતિના નિવેદનમાં અનેક વિસંગતતાઓ જણાઈ છે. પિતાએ ઘઉંમાં નાખવાની દવાની 10 પડીકીઓ ખરીદી હોવાનું કબૂલ્યું છે, જેમાંથી માત્ર 8 જ મળી આવી છે. બીજી તરફ, માતા ભાવનાબેનની ડાયરીમાંથી 'પુત્ર પ્રાપ્તિની ઝંખના'ના લખાણો મળી આવતા અંધશ્રદ્ધા અથવા પુત્રની ઘેલછામાં બાળકીઓની હત્યા થઈ હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે.
