તહેવારની ઉજવણીના માહોલ વચ્ચે આજે વહેલી સવારથી જ શહેરના મુખ્ય વેપારી મથકો અને બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. તહેવાર નિમિત્તે પૂજા-અર્ચના માટે ફૂલો અને ઘરવપરાશ માટે શાકભાજીની ખરીદી કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા શહેરના પ્રસિદ્ધ ફૂલ માર્કેટ તેમજ જમાલપુર શાક માર્કેટ આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બજારોમાં માનવમહેરામણ ઊભરાતાં રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફ્કિ જામની સ્થિતિ સર્જાઈ હતી. તહેવારના દિવસે સવારથી જ ફૂલ માર્કેટમાં ગલગોટા, ગુલાબ અને અન્ય પૂજા સામગ્રીની ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. તેની સાથોસાથ જમાલપુર શાક માર્કેટ ખાતે પણ ગ્રાહકો અને જથ્થાબંધ વેપારીઓના વાહનોના કારણે રસ્તો પેક થઈ ગયો હતો. રસ્તા કિનારે આડેધડ પાર્ક કરેલા દ્વિચક્રી વાહનો, લારી-ગલ્લાંઓ અને ખરીદી કરવા આવેલા લોકોની અવરજવરના લીધે મુખ્ય માર્ગો અત્યંત સાંકડા બની ગયા હતા. પરિણામે, જમાલપુર બ્રિજ, ગીતા મંદિર તરફ્ જતો રસ્તો અને આસપાસના જોડાણ માર્ગો પર વાહનોની સ્પીડ થંભી ગઈ હતી. નોકરી-ધંધે જતાં વાહનચાલકો તેમજ એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો પણ કલાકો સુધી ટ્રાફ્કિમાં ફ્સાયેલા રહ્યા હતા. દ્વિચક્રી વાહનોથી લઈને સિટી બસો અને ફોર વ્હીલરની લાંબી લાઈનો જોવા મળી હતી. સ્થિતિને કાબૂમાં લેવા અને ટ્રાફ્કિ હળવો કરવા માટે ટ્રાફ્કિ પોલીસની ટીમ સ્થળ પર તૈનાતકરવામાં આવી હતી. પોલીસે માર્ગો ખુલ્લા કરાવવા અને વાહનોને વૈકલ્પિક રસ્તે વાળવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ માંગ કરી હતી કે તહેવારો દરમિયાન આવા મુખ્ય બજારો આસપાસ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે.
