ઉત્તર ગુજરાતમાં વાવેતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તા. 10 ઓગષ્ટ સુધીના આંકડાઓ મુજબ ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અરવલ્લી મળીને 1396900 હેક્ટર વિસ્તારમાં ખરીફ્ પાકોનું વાવેતર નોંધાયું છે. ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ પરંપરાગત ધાન્ય પાકોની સાથે રોકડિયા પાકો જેવાં કે દિવેલા, કપાસ, બાજરી અને પશુઓ માટેના ઘાસચારાના વાવેતર પર મદાર રાખ્યો છે. બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં વિક્રમી વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં વાવેતરની દ્રષ્ટીએ બનાસકાંઠા જિલ્લો અને વાવ-થરાદ જિલ્લા મોખરે રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 301700 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ દિવેલાનું વાવેતર 13500 હેક્ટર અને બાજરીનું વાવેતર 38600 હેક્ટર નોંધાયું છે. આ ઉપરાંત ઘાસચારાનું વાવેતર પણ 76900 હેક્ટર જેટલું રહ્યું છે. વાવ-થરાદ વિસ્તારમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. જ્યાં કુલ 223800 હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે. વાવ-થરાદ વિસ્તારમાં બાજરી 78100 હેક્ટર, દિવેલા 17000 હેક્ટર અને ઘાસચારાનું વાવેતર 68100 હેક્ટર જેટલું થવા પામ્યું છે. આ વિસ્તારમાં કપાસનું વાવેતર 3300 હેક્ટર જેટલું મર્યાદિત જોવા મળ્યું છે. પાટણ જિલ્લામાં કુલ 235200 હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ્ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. પાટણમાં સૌથી વધુ વાવેતર દિવેલાનું 36000 હેક્ટર, કપાસનું 37700 હેક્ટર અને ઘાસચારાનું 89600 હેક્ટર જોવા મળ્યું છે. આ ઉપરાંત મગફ્ળીનું વાવેતર 6300 હેક્ટર અને મગનું વાવેતર 2500 હેક્ટર નોંધાયું છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો કુલ 167200 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. મહેસાણામાં ખેડૂતોએ દિવેલા 22300 હેક્ટર અને કપાસ 33400 હેક્ટર પર વધુ પસંદગી ઉતારી છે. શાકભાજીનું વાવેતર પણ 7900 હેક્ટર અને ઘાસચારાનું વાવેતર 40800 હેક્ટર નોંધાયું છે. આ ઉપરાંત મહેસાણામાં બાજરી 2100 અને મગફ્ળી 21800 હેક્ટર કરી છે. સાબરકાંઠા જિલ્લામાં કુલ 204400 હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂરું થયું છે. આ જિલ્લામાં કપાસનું વાવેતર 53800 હેક્ટર અને દિવેલાનું વાવેતર 6600 હેક્ટર સાથે મુખ્ય સ્થાને છે. સાબરકાંઠામાં મકાઈનું વાવેતર 6300 હેક્ટર અને સોયાબીનનું વાવેતર 19400 હેક્ટર નોંધાયું છે. અરવલ્લી જિલ્લામાં કુલ 172200 હેક્ટરમાં વાવેતર થયું છે. અરવલ્લીમાં કપાસનું વાવેતર 18900 હેક્ટર, સોયાબીન 36500 હેક્ટર અને મકાઈ 21400 હેક્ટર જેટલું કરવામાં આવ્યું છે.
