અમદાવાદ શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં આજે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. વસ્ત્રાપુર તળાવ સામે આવેલી એક બિલ્ડિંગમાં ગ્રાહક અને દુકાનદાર વચ્ચે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. કેમેરા ખરીદવા આવેલા ગ્રાહકે દુકાનદાર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

પાના વડે માથામાં ઝીંક્યા ઘા

મળતી માહિતી મુજબ, એક ગ્રાહક વસ્ત્રાપુર તળાવ સામેની દુકાનમાં કેમેરો ખરીદવા માટે આવ્યો હતો. કેમેરાના ભાવ બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં ગ્રાહક એટલો ઉશ્કેરાઈ ગયો કે તેણે પાસે પડેલા નળ ફિટ કરવાના પાના વડે દુકાનદાર પર હુમલો કરી દીધો. આરોપીએ દુકાનદારના માથાના ભાગે બે થી ત્રણ જોરદાર ઘા ઝીંકી દેતા દુકાનદાર લોહીલુહાણ થઈ ગયો હતો.

બચાવ બચાવની બૂમો અને ફિલ્મી દ્રશ્યો

હુમલો થતા જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત દુકાનદાર 'બચાવો બચાવો'ની બૂમો પાડતા લોહીલુહાણ હાલતમાં દુકાનની બહાર દોડી આવ્યો હતો. દુકાનદારની હાલત જોઈને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ તકનો લાભ લઈને હુમલાખોર ગ્રાહકે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સજાગ રાહદારીઓએ પીછો કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ વસ્ત્રાપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આરોપી ગ્રાહકને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.