સમગ્ર દેશમાં ભાવનગર કો.ઓ.બેંક સહિત 15 બેંકોની સિસ્ટમ હેક કરી બેંક ખાતાઓમાંથી બારોબાર કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી સાયબર ફ્રોડ કરનાર વિદેશી હેકર્સના અમદાવાદ અને મુંબઈમાં રહેલા સાગરિતોની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ધરપકડ કરી છે. પકડાયેલા ચાર લોકોમાં મહારાષ્ટ્ર પોલીસનો હોમગાર્ડ જવાન કિશોર પરદેશી અને અમદાવાદની મહિલા અને યુવકોનો સમાવેશ થાય છે. ઝડપાયેલા લોકોએ બેંક ખાતા આરોપીઓને પુરા પાડયા તેમાંથી નાણાં ઉપાડી વિદેશી હેકર્સ સુધી પહોંચાડયા હતા. ભાવનગર કો.ઓ. બેંક સાથે થયેલા 7.34 કરોડના સાયબર ફ્રોડમાંથી પોલીસે બે કરોડની રકમ બેંક ખાતા ફ્રિઝ કરતા બચી ગઈ હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ ભાવનગર બેંકમાં રહેલા 4 ખાતામાંથી 7.34 કરોડ બીજા 135 બેંક ખાતા ટ્રાન્સફર કર્યા બાદ તે રકમ બીજા 500 બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ભાવનગર કો.ઓ.બેંક કેસની તપાસ શરૂ કરતા ઘટસ્ફોટ થયો કે, આ ખાતામાંથી અમદાવાદના મીનાબહેનના ખાતામાં દસ લાખની રકમ આવી હતી અને તે નાણાં વિડ્રો કરાયા હતા. આ રકમને અમદાવાદના અદનાન શેખ, રૂબિના અબ્દુલકાદર શેખ અને સુશિલ મેઘવાલે વીડ્રો કરતા તેમની ધરપકડ કરાઈ હતી. તેમની પૂછપરછમાં ખુલાસો થયો કે, મીનાબહેનના પતિ સુશિલ મેઘવાલ આ રેકેટમાં સામેલ હતો. સુશિલ સહિત અદનાન અને રૂબિનાએ પણ નાણાં વિડ્રો કર્યા હતા. આ આરોપીઓને મુંબઈ ખાતે રહેતાં અને હોમગાર્ડ તરીકે સેવા આપતા કિશોર પરદેશીએ આરોપીઓને બેંક ખાતા પુરા પાડવા જણાવ્યું હતું. કિશોરે આરોપીઓને પોતે હોમગાર્ડમાં હોવાથી કંઈ થશે તેવી ખાતરી આપી ગુનામાં સામેલ કર્યા હતા. સીઓઈના એસ.પી. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભાવનગર બેંકના જે ચાર ખાતામાંથી નાણાં ટ્રાન્સફર થયા તે મામલે બેંકના સર્વરની તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ચાર ખાતામાં માત્ર રૂ.1500 થી બે હજારનું બેલેન્સ હતું. વિદેશી હેકર્સે બેંકની સિસ્ટમ હેક કર્યા બાદ સર્વરમાં રહેલા ડેટાની એન્ટ્રીઓમાં ફેરફાર કર્યો હતો. તે પછી આ ચાર ખાતામાં વધુ બેલેન્સ બતાવી તેમાંથી 7.34 કરોડ 135 જેટલા ખાતાઓમાં હોળી-ધુળેટીની રજાઓ હોઈ ટ્રાન્સફર કરી નાંખ્યા હતા. આ રીતે આરોપીઓએ દેશભરમાં 15 જેટલી બેંકોની સિસ્ટમ હેક હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: