અમદાવાદ મહાનગરપાલિકાની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા આખું સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ધમકીભર્યો મેલ સ્થાનિક કારંજ પોલીસ મથકના સત્તાવાર ઈમેલ આઈડી પર આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, આ ધમકીભર્યા મેલમાં મોકલનારે પોતાનું કનેક્શન 'ખાલિસ્તાન' સાથે હોવાનો અને તે ખાલિસ્તાન સમર્થિત હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, જેને પગલે મામલાની ગંભીરતા વધી ગઈ છે.  અમદાવાદમાં આરએસએસ કાર્યાલય, ગાંધીનગરમાં સીએમઓ અને એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.


ગાંધીનગરમાં CMની ઓફિસને બોમ્બથી ઉડાવાની ધમકી

બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલ મળ્યા છે. જેમાં સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઇ છે. અજાણ્યા ઇમેલ આઈડી પરથી આ ઇમેલ આવેલો છે. ઉલ્લેખનિય છે કે સ્વર્ણિમ સંકુલ-1ના ત્રીજા માળે CM ઓફિસ છે.

પોલીસ એલર્ટ થઈ ગઈ

ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ કારંજ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતા. તુરંત જ સુરક્ષાના પગલાં રૂપે દાણાપીઠ એએમસી કચેરીના આખા પરિસરને ખાલી કરાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. કચેરીમાં કામ કરતા હજારો કર્મચારીઓ અને પોતાના કામે આવેલા સામાન્ય નાગરિકોને તાબડતોબ સુરક્ષિત બહાર કાઢી આખી બિલ્ડિંગને કૉર્ડન કરી લેવામાં આવી છે. ઓચિંતા પરિસર ખાલી કરાવવાના આદેશથી થોડીવાર માટે લોકોમાં ભારે ફફડાટ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

 સર્ચ ઓપરેશન શરુ

ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ , સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ , સ્થાનિક કારંજ પોલીસની ટીમો અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. આ સાથે જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સ્નિફર ડોગ્સ અને આધુનિક મેટલ ડિટેક્ટર મશીનોની મદદથી એએમસી કચેરીના ખૂણે-ખૂણામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

પોલીસ તપાસ શરુ

 બીજી તરફ, સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ ગઈ છે અને કારંજ પોલીસ મથકના આઈડી પર ક્યાંથી અને કોના દ્વારા આ ડિજિટલ ધમકી મોકલવામાં આવી છે, તેનું આઈપી એડ્રેસ ટ્રેસ કરીને તપાસ આગળ ધપાવી રહી છે.


આ પણ વાંચો--- Gujarat Latest News Live : અમદાવાદમાં વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં પાલતુ શ્વાને 9 વર્ષના માસૂમ પર કર્યો હુમલો

  • Follow us on: