શહેરના શાહીબાગ વોર્ડમાં આવેલા નમસ્કાર સર્કલ સામે, લક્ષ્મી પ્લાઝા કોમ્પ્લેક્સ નજીક ફૂટપાથ પર મોટો ભૂવો પડતાં સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે માધુપુરા વિસ્તારમાં આવેલા જૂના મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફ્સિમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં, સંબંધિત વિભાગ દ્વારા આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વરસાદ પડવાના કારણે આ ભૂવો વધુ ઊંડો અને પહોળો થવાની ભીતિ સેવાઈ રહી છે. જો સમયસર કામગીરી કરવામાં નહીં આવે તો અહીંથી પસાર થતા વાહનચાલકો કે રાહદારીઓ માટે મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે બેરિકેડ્સ મૂકી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ ભૂવાનું સમારકામ હાથ ધરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત ટાળી શકાય.