કઠવાડા વિસ્તારમાં આવેલા મધુમાલતી આવાસ નજીક આવેલો સાર્વજનિક ગાર્ડન અને સોસાયટીનો આસપાસનો વિસ્તાર હાલ તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બન્યો છે. વરસાદ બંધ થયાને દિવસો વિતી ગયા હોવા છતાં અહીં કચરાના ઢગલા, ઝાડી-ઝાંખરા અને વરસાદી માટીનો નિકાલ કરવામાં આવ્યો નથી.
વરસાદ દરમિયાન તણાઈને આવેલી માટી, સુકાઈ ગયેલા ઝાડની ડાળીઓ અને કચરો ગાર્ડનની અંદર તેમજ સોસાયટીના રસ્તાઓ પર એમને એમ પડયો રહ્યો છે. જેના કારણે સુંદર દેખાતો ગાર્ડન હાલ ઉકરડામાં ફેરવાઈ ગયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, વરસાદ બાદ ગંદકીનું પ્રમાણ વધી જતાં મચ્છરોનો ઉપદ્રવ પણ વ્યાપક બન્યો છે, જેનાથી તંદુરસ્તી અને રોગચાળો ફેલાવાનો ભય સતત સતાવી રહ્યો છે. બાળકો માટે રમવાની અને વૃદ્ધો માટે બેસવાની જગ્યા ગણાતા આ ગાર્ડનમાં ગંદકી અને કચરાના કારણે લોકો જવાનું પણ ટાળી રહ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કે સંબંધિત તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
