શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ પૂર્વ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓની બિસ્માર હાલત સામે આવી છે. પહેલેથી જ રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ અંગે અન્યાયનો સામનો કરી રહેલા પૂર્વ અમદાવાદમાં વરસાદ બંધ થતાં જ તંત્રની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. ઠેર ઠેર પડેલા મોટા ખાડા, ભૂવા અને સોફ્ટ થયેલા ડામરના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે રસ્તા પરથી પસાર થવું જોખમી બન્યું છે.
નિકોલ, નરોડા, ઓઢવ, વસ્ત્ર્રાલ, અસિમા રોડ, અમરાઈવાડી અને રામોલ જેવા ગીચ વસતિ ધરાવતા વિસ્તારોમાં પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર છે. મુખ્ય માર્ગોથી લઈને સોસાયટીના આંતરિક રસ્તાઓ પર પડેલા ઊંડા ખાડાઓને કારણે દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખાડાઓ દેખાતા નથી, જેથી ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈને નીચે પડી જવાના બનાવો સામાન્ય બની ગયા છે. મહત્વનું છે કે તૂટેલા રસ્તાઓના કારણે ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાય છે. જે અંતર કાપતા સામાન્ય રીતે દસ મિનિટ થાય છે, ત્યાં પહોંચવામાં હવે અડધોથી પોણો કલાક લાગી રહ્યો છે. વાહનચાલકોનું કહેવું છે કે, ગાડીઓના મેન્ટેનન્સનો ખર્ચ વધવાની સાથે સમય અને ઇંધણનો પણ ભારે વ્યય થઈ રહ્યો છે.
