કોમર્શિયલ ગેસમાં ભાવ વધારાની અસર અમદાવાદમાં શનિવારથી જ જોવા મળી હતી. શહેરમાં ચા-નાસ્તા, હોટલ-રેસ્ટોરન્ટો,ઢાબાઓ ઉપર વિવિધ ખાદ્યચીજ વસ્તુઓના ભાવ વધારા અંગેના બોર્ડ-બેનરો વાગી ગયા હતા. ભાવ વધારો થયો છે... ઓર્ડર આપતા પહેલા ભાવ પુછી લેવા તેવા બોર્ડ પણ કેટલીક જગ્યાએ જોવા મળ્યા હતા. જેને લઇને ગ્રાહકો પણ ઓર્ડર આપતા પહેલા ખચકાટ અનુભવતા જોવા મળ્યા હતા. ચા, કોફી, સમોચા, કચોરી, પૈઆ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં સીધો જ 5 થી 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. કોમર્શિયલ LPGમાં તોતિંગ ભાવા વધારાથી ગુજરાતના ખાદ્ય ઉદ્યોગ પર અતિગંભીર અસર પડશે. હોટલ-રેસ્ટોરન્ટો, ઢાબાઓમાં મળતા ભોજનના ભાવમાં 20 % સુધીનો ભાવ વધારો ઝીંકાશે તેવી પુરેપુરી શક્યતા છે. ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશનના પ્રમુખ કિરીટ પટેલના જણાવ્યા મુજબ હાલ વિવિધ ખાદ્યચીજવસ્તુઓના ભાવની સમીક્ષા થઇ રહી છે. નવા ભાવ નક્કી કરીને તેના મેનુ કાર્ડ છપાવી ભાવ વધારાની આર્થિક અસરને ઓછી કરાશે. તેનો સીધો માર ગ્રાહકો પર પડશે. બીજી બાજુ ભાવ વધારાથી ગ્રાહકોની સંખ્યા ઘટી જવાની ભીતિ વચ્ચે આગામી દિવસોમાં ગુજરાતના હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં મંદીના આસાર છે. હાલ ગુજરાતમાં અંદાજે 50 હજારથી વધુ હોટલ-રેસ્ટોરન્ટો અને ઢાબાઓ કાર્યરત છે. ગેસની અછત વચ્ચે ઇન્ડક્શન સગડીઓ વીજ, ડિઝલ, લાકડા, કોલસાથી ચાલતી સગડીઓનો ઉપયોગ વધારી દેવાયો છે. અમદાવાદમાં કાળાબજારમાં 6,000 રૂપિયે LPG સિલિન્ડર મળતો હતો. હવે ભાવ વધારાને લઇને કાળાબજારીનો ભાવ સીધો 7,000 રૂપિયા પહોંચી જવાની વકી છે. ધંધો કરવો હોય તો મોમાંગ્યા ભાવ આપવા પણ એક મજબૂરી છે. સરવાળે આ બોજો સીધો ગ્રાહકો પર જ પડશે.

કોલસાનો પ્રતિ કિલાનો ભાવ 10 રૂપિયા વધ્યો

કોલસાની માંગ એકાએક વધી જતા હાલ પ્રતિ કિલો કોલસાનો ભાવ 60 રૂપિયા સુધીનો બોલાઇ રહ્યો છે. અગાઉ 50 રૂપિયે કિલો ભાવ હતો. માંગ અને જથ્થા મુજબ મો માંગ્યા ભાવ વસુલાઇ રહ્યા છે. જે કોલસામાં હાથ કાળા કરતા રસોઇયાઓ સંકોચ અનુભવતા હતા તે જ હવે કોલસો લેવા પડાપડી કરી રહ્યા છે. અમદાવાદમાં કોલસાની માંગ એકાએક વધી ગઇ છે.

માર્ચ-એપ્રિલમાં 1,000 કોમર્શિયલ એકમોને PNG જોડાણ અપાયા

ગુજરાતમાં માર્ચ-એપ્રિલ માસ સુધીમાં 1,000 કોમર્શિયલ એકમોને PNG જોડાણ આપી દેવાયા છે. ઘરેલું PNG માટે એક લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાંથઈ 50,000 થી વધુ અરજીઓનો નિકાલ કરી દેવાયો હોવાનું જાણવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો