AMCના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ, મણીનગર, સિટીએમ સહિતના વિસ્તારોમાં દબાણો સામે સપાટો બોલાવી દૂર કરતાં ખળભળાટ મચી ગયો છે. એસ્ટેટ ટીમ, AUDA, એન્જિનિયરિંગ વિભાગ તથા NHAIની સંયુક્ત ટીમે અભિયાન ચલાવ્યું હતાં. લાંબાગાળાના ઉકેલ માટે કાર્યવાહી કરાઇ છે, આનાથી નાગરિકોને સરળ અવરજવર મળી શકશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શનથી શહેરના વિવિધ માર્ગો પર દબાણના કારણે ઊભી થયેલી ટ્રાફ્કિ સમસ્યાઓના નિરાકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ, ઔડા સહિત NHAIની સંયુક્ત ટીમ દ્વારા હાથધરાયેલા અભિયાનમાં શહેરના મુખ્ય માર્ગો અને સર્વિસ રોડ પરથી દબાણ દૂર થતાં ટ્રાફ્કિ વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થયો છે. અભિયાન અંતર્ગત વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ, મણીનગર રેલવે સ્ટેશન વિસ્તાર, પુષ્પકુંચા રોડ, ગોવિંદવાડી લીમડા, ખોડીયારનગર, સીટીએમ ચાર રસ્તા તેમજ ગરીબ નગર ચાર રસ્તા જેવા ટ્રાફ્કિ સંવેદનશીલ વિસ્તારોમાં માર્ગ અને સર્વિસ રોડ પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. દબાણોના કારણે માર્ગની પહોળાઈ ઘટી જવાથી તથા ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે જે ટ્રાફ્કિ અવરોધો સર્જાતા હતા, તેને દૂર કરીને માર્ગોને ખુલ્લા કરાયા છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામરાજ્યનગર ચાર રસ્તા પર સર્વિસ રોડ પર પડેલા દબાણોના કારણે સતત ટ્રાફ્કિ જામની સ્થિતિ સર્જાતી હતી. આ સ્થળે પારણાંવાળા બસે અને સામગ્રી હટાવી સર્વિસ રોડ સંપૂર્ણપણે ખુલ્લો કરાયો છે. ખોખરા સર્કલ ખાતે માર્ગ પહોળો કરવા અને ટ્રાફ્કિ નિયમન સુચારુ બનાવવા માટે દબાણ હટાવવામાં આવ્યા છે, અનુપમ સર્કલ પાસે દુકાનો આગળ આવેલા ઠેલાં, દબાણ અને ગેરકાયદે પાર્કિંગને કારણે ટ્રાફ્કિ ખોરવાતો હતો, ત્યાં દબાણ દૂર કરી તથા ગેરકાયદે પાર્કિંગ સામે કાર્યવાહી કરાઇ છે.










