અમદાવાદમાં નહેરુનગર ફાયરિંગ કેસમાં ચકચાર જગાવનારા પૂર્વ નાયબ પોલીસ અધિક્ષક ના કરોડો રૂપિયાના જમીન કૌભાંડના મામલામાં હવે કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા પૂર્વ અધિકારીના સંતાનોની જામીન અરજી સામે તપાસનીશ પોલીસ એજન્સીએ કોર્ટમાં આકરું વલણ અપનાવ્યું છે.


પોલીસે જામીન અરજીનો વિરોધ કર્યો

 આરોપી પુત્ર સિદ્ધાર્થ અને પુત્રી ખ્યાતિ દ્વારા કોર્ટમાં મુકવામાં આવેલી જામીન અરજીનો પોલીસે સત્તાવાર રીતે સખત વિરોધ કર્યો છે. આ કેસના તપાસનીશ અધિકારીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને જામીન નામંજૂર કરવા ભારપૂર્વક રજૂઆત કરી છે.

 કૌભાંડ અત્યંત ગંભીર પ્રકારનો ગુનો

પોલીસે પોતાની એફિડેવિટમાં કોર્ટને સ્પષ્ટ જણાવ્યું છે કે આ આખું જમીન કૌભાંડ અત્યંત ગંભીર પ્રકારનો ગુનો છે. પૂર્વ પોલીસ અધિકારીના પરિવારે પોતાની વગ અને હોદ્દાનો દુરુપયોગ કરીને કાયદાની ઉપરવટ જઈને આ આખી છેતરપિંડી આચરી છે. જો આ તબક્કે આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવશે, તો તેઓ પોતાની વગ અને વગદાર કનેક્શનનો દુરુપયોગ કરીને આ કેસના મહત્વના પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે તેમજ સાક્ષીઓને ડરાવી-ધમકાવી શકે તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.  


BNSS કલમ 183 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો નોંધાયા

આ કેસને વધુ મજબૂત કરવા માટે પોલીસે કાનૂની સ્તરે મોટી કાર્યવાહી કરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 183 હેઠળ આ કેસના મુખ્ય સાક્ષીઓનાં નિવેદનો સીધા જજ સમક્ષ નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સાક્ષીઓના કોર્ટ સમક્ષના આ નિવેદનોથી આરોપીઓ સામેનો ગાળિયો વધુ કસાયો છે. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, હજુ પણ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને અનેક સ્તરે કડીઓ જોડાઈ રહી છે, ત્યારે આવા હાઈ-પ્રોફાઈલ ગુનામાં જામીન આપવાથી તપાસ પર વિપરીત અસર પડી શકે છે. હાલમાં આ મામલે કોર્ટ આગામી દિવસોમાં પોતાનો આખરી નિર્ણય સંભળાવશે.


આ પણ વાંચો----     Gujarat Latest News LIVE : અમદાવાદ,રાજકોટ, સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, શંકાસ્પદો પકડાયા

  • Follow us on: