દેશ માટે એક સારા સંકેત સમાન વાત એ છે કે ભારતમાં વિદેશી સીધું રોકાણ એટલે કે એફડીઆઇ નાણાકીય વર્ષ 2025-26માં 94.53 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. નાણાકીય વર્ષ 2014-15થી 2025-26 દરમિયાન દેશમાં કુલ 843 અબજ ડોલરનું એફડીઆઇ આવ્યું છે. આટલા જંગી એફડીઆઇ માટે કેન્દ્ર સરકારે જે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવની સ્કીમ જાહેર કરી છે તે મહદ અંશે જવાબદાર છે.
કેન્દ્રના આંકડા મુજબ પીએલઆઈ અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં કુલ રૂ. 2.4 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ રોકાણને પગલે થયેલા કુલ ઉત્પાદનનો આંકડો રૂ. 23.8 લાખ કરોડ જેટલો થાય છે. આ ઉપરાંત આ ઉત્પાદન દ્રારા કુલ રૂ. 15.2 લાખ કરોડની નિકાસ પણ કરવામાં આવી છે. આ રોકાણના કારણે કુલ 1.46 કરોડ પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી સર્જનમાં મદદ મળી છે. પીએલઆઇ અંતર્ગત મોટું રોકાણ ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન્સ, મેડિકલ ડિવાઇસ, ઓટોમોબાઇલ, આઇટી હાર્ડવેર અને સ્પેશ્યિલીટી સ્ટીલ ક્ષેત્રે આવ્યું છે.
