અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં આવેલા ધોળકા રોડ પરના એક ઇલેક્ટ્રોનિક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લગતા અફરાતફરી થઇ હતી. બનાવ અંગે બાવળા પાલિકા અને પોલીસ મથકે જાણ કરાતા પોલીસ સહિત ફાયર ફાઇટર્સ સાથે લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ ખરી જરૂરિયાતના સમયે ફાયર ફાઇટરમાં પાણી ખૂટી પડતા પાલિકાની આબરૂના ધજાગરા ઉડયા હતા. વધુમાં પ્રાપ્ત વિગત મુજબ બાવળા શહેરમાં આવેલા ધોળકા રોડ પરના ગ્લોબલ ટ્રેડિંગ નામના ઇલેક્ટ્રોનિક સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ગોડાઉનમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, વેરહાઉસિંગ મટીરીયલ્સનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની હતી. બનાવ અંગે બાવળા નગર પાલિકા અને પોલીસ મથકે જાણ કરવામાં આવતા બાવળા પીઆઇ દેસાઈ સહિત બીટ જમાદાર રમેશભાઈ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ધોળકા જવાનો મુખ્ય રોડ હોવાથી ટ્રાફ્કિ ના થાય તેની તકેદારી રાખી લોકોને બનાવ સ્થળ પરથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત પાલિકાના બે ફાયર ફાઇટર આવી પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો શરુ કર્યો હતો. પરંતુ ફાયર ફાઈટરમાં એકાએક પાણી ખુટી પડતા પાણી ભરવા પરત ફરતા વેપારી આલમ અને નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલ ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતુ અને ગોડાઉનમાં આગના કારણે કેટલું નુકશાન થયું છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી ન હતી. સદ્નસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઇ ન હતી.
