કુવૈતથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં આજે તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે વિમાનમાં બોમ્બ હોવાની લેખિત ધમકી મળી. આ ગંભીર સૂચના મળતા જ પાઇલટે તુરંત કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો અને સાવચેતીના ભાગરૂપે વિમાનને નજીકના અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરી ઈમરજન્સી લેન્ડિંગ કરાવી હતી.
પેપર પર લખેલી ધમકીએ વધારી ચિંતા
મળતી માહિતી અનુસાર, ફ્લાઇટ દરમિયાન એક કાગળ પર લખેલી ધમકી મળી હતી, જેમાં વિમાનમાં બોમ્બ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ ચિઠ્ઠી મળતાની સાથે જ ક્રૂ મેમ્બર્સ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. વિમાનમાં કુલ 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. આટલી મોટી સંખ્યામાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રોટોકોલ મુજબ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત
જેવું વિમાન અમદાવાદ રનવે પર લેન્ડ થયું, તેને તુરંત આઇસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) પહેલાથી જ તૈનાત કરી દેવામાં આવી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના સામાનનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
તપાસમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી
સદનસીબે, પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ધમકી કોણે આપી અને તેનો હેતુ શું હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અવારનવાર વિમાનોને મળતી આવી ફેક ધમકીઓને કારણે એરપોર્ટ ઓથોરિટી હવે વધુ કડક વલણ અપનાવી રહી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News : અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્રારંભ થયો