ભારતીય રેલવેએ દેશની આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફ્તે અત્યંત સંવેદનશીલ એવા જીવંત હૃદયનું સફ્ળતાપૂર્વક પરિવહન કરાયું છે. સુરતથી અમદાવાદ સુધી ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ દ્વારા અઢી કલાકમાં હૃદયને સંપૂર્ણ સુરક્ષા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં અમદાવાદ પહોંચાડાયું હતું. આ જીવંત હૃદયનું પ્રત્યારોપણ યુ.એન. મહેતા ઇન્સ્ટિટયૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કરાશે. અત્યંત સંવેદનશીલ અને સમયબદ્ધ એવા આ જીવનરક્ષક અભિયાનમાં ભારતીય રેલવે, ગુજરાત રાજ્ય પોલીસ, રેલવે સુરક્ષા દળ અને તબીબી ટીમો વચ્ચેનું સુદૃઢ સંકલન જોવા મળ્યું હતું. ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચતા જ પ્લેટફોર્મ નંબર 1થી યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી હૃદયને ઝડપથી અને કોઈપણ અવરોધ વગર પહોંચાડવા માટે RPF અને ગુજરાત પોલીસે વિશેષ ગ્રીન કોરિડોર તૈયાર કર્યો હતો. અમદાવાદ વિભાગના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, *ભારતીય રેલવે માટે આ અત્યંત ગૌરવ અને સંતોષની ક્ષણ છે. આવા મિશનમાં સમયની દરેક ક્ષણ અમૂલ્ય હોય છે. વંદે ભારત એક્સપ્રેસની પંચ્યુઆલિટી, હાઈસ્પીડ, વિશ્વસનીયતાના કારણે આ સમગ્ર મિશન સફ્ળ બન્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો