ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે નિવૃત્ત જજની સત્ય શોધક કમિટી દ્વારા અનેક નાણાકીય ગેરરીતિઓ અને ભરતી કૌભાંડ મામલે તપાસ ચાલી રહી છે. સામાન્ય રીતે તપાસ હેઠળની વ્યક્તિને સંસ્થાથી દૂર રખાય છે, પરંતુ દિવાળી વેકેશન બાદ યુનિવર્સિટી ખૂલતા જ નીરજા ગુપ્તા નવા કુલપતિ પૃથુલ દેસાઈને મળવા પહોંચ્યા હતા. એક જ વિચારધારામાંથી આવતા નવા કુલપતિ સમક્ષ શુભેચ્છા મુલાકાતના બહાને કથિત કૌભાંડોની તપાસમાંથી બચવા માટે તેમણે લોબિંગ અને ચોકઠાં ગોઠવવાનું શરૂ કર્યું હોવાની ચર્ચાએ કેમ્પસમાં ભારે જોર પકડયું છે. ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અને વહીવટી અનિયમિતતાઓની તપાસ હાલ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી સત્ય શોધક કમિટી દ્વારા કરવામાં આવી રહી છે. આ ગંભીર તપાસમાં ભરતી કૌભાંડ, પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની ગ્રાન્ટમાં નાણાકીય ઉચાપત, નિયમો વિરુદ્ધ મસમોટો પગાર વસૂલવો, યુનિવર્સિટીના ભંડોળમાંથી પોતાના જ પુસ્તકોની ખરીદી કરવી અને બિનજરૂરી વિદેશ પ્રવાસો જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેટલીક ખાનગી એજન્સીના લોકોને પણ યુનિવર્સિટીના ખર્ચે ફરવા લઈ જવાના આક્ષેપોની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો ત્યારે નીરજા ગુપ્તા અચાનક ગાયબ થઈ ગયા હતા અને તેમણે કોઈની સાથે સંપર્ક પણ રાખ્યો ન હતો. આ દરમિયાન તેઓએ ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રાલયમાં લોબિંગ શરૂ કર્યું હતું, પરંતુ તેઓને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો. જોકે, દિવાળીના તહેવારના આગલા દિવસે જ સંઘની વિચારધારા સાથે જોડાયેલા પૃથ્રુલ દેસાઈની ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે ચાર્જ સંભાળ્યા બાદ દિવાળી વેકેશન પડી ગયું હતું. હવે વેકેશન પૂર્ણ થતાં અને યુનિવર્સિટીનું શૈક્ષણિક તેમજ વહીવટી કામકાજ ફરી શરૂ થતાં જ નીરજા ગુપ્તા અચાનક સક્રિય થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીરજા ગુપ્તા શુભેચ્છા મુલાકાતના બહાને નવા કુલપતિ પૃથુલ દેસાઈની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને બંને વચ્ચે લાંબી બંધબારણે બેઠક યોજાઈ હતી. નીરજા ગુપ્તાની નિમણૂક પણ જે વિચારધારા અને જગ્યાએથી થઈ હતી, નવા કુલપતિ પૃથુલ દેસાઈ પણ તે જ પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાથી પૂર્વ કુલપતિએ આ સંબંધોનો લાભ ઉઠાવવા પ્રયાસ કર્યો હોવાનું મનાય છે. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાની સામે ચાલી રહેલી તપાસમાં મદદ કરવા અને મામલો થાળે પાડવા માટે રજૂઆત કરી હોવાની ચર્ચા છે. નષ્ણાતોના મતે તપાસના નિયમો મુજબ જે વ્યક્તિ સામે ગંભીર આક્ષેપો હોય તેને સંસ્થાના વહીવટ અને તપાસ પ્રક્રિયાથી દૂર રાખવી જોઈએ, જેથી પુરાવા સાથે ચેડાં ન થાય. પરંતુ, પૂર્વ કુલપતિની આ મુલાકાતે અનેક તર્ક-વિતર્કો સર્જ્યા છે. કથિત કૌભાંડોના ગાળિયામાંથી બચવા માટે તેમણે અત્યારથી જ પોતાના ચોકઠાં સેટ કરવાનું અને નવા કુલપતિ સમક્ષ લોબિંગ કરવાનું શરૂ કરી દીધું હોવાનું શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે નવા કુલપતિ તપાસની નિષ્પક્ષતા જાળવી રાખે છે કે કેમ.
