અમદાવાદના એસ.જી. હાઇવે ઉપરના સર્વિસ રોડનું બ્યુટિફ્કિેશન કરી ડેવલપ કરવાનો નિર્ણય નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોડલ એજન્સી તરીકેની ફરજ સોંપવામાં આવી છે. પકવાનથી ઇસ્કોન બ્રિજ વચ્ચે ગાંધીનગર તરફ્થી આવતાં ડાબી બાજુના સર્વિસ રોડને ડેવલપ કરવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી બહાર આવી છે. હાલ પકવાનથી દેવાશિષ સ્કૂલ તરફ્ વળવા માટેના કટ સુધીનું ડેવલપમેન્ટ થઈ ગયું છે, ત્યાં એક ફુવારો છે. ઉપરાંત વળવાનો કટ પૂરો થાય ત્યાં બીજો ફુવારો છે. આ બીજો ફુવારો એવી રીતે બનાવ્યો છે કે પકવાનથી ઇસ્કોન તરફ્ જતા સર્વિસ રોડને જ બંધ કરી દે છે. જેને સર્વિસ રોડ ઉપર જવું હોય તેને એસ.જી. હાઇવેમાં ભળવું પડે અને પછી કટમાંથી નીચે ઊતરવું પડે. આ પરિસ્થિતિમાં પાછળથી કોઈ વાહન પૂરઝડપે આવતું હોય તો અકસ્માત સર્જાવાનો ભય રહે છે. આ પેચનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. પકવાન પાસે પહેલા ફુવારાનું કામ પૂરું થયું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા તેનું ઉદઘાટન પણ કરી દેવામાં આવ્યું અને પકવાન ચાર રસ્તા ઉપર ગણેશ ભગવાનની પ્રતિમા પણ મૂકવામાં આવી હતી. આ ઉદઘાટન સમયે તે વખતના એન્જિનિયરે ફુવારો ચાલુ કરાવ્યો હતો. હાલ ફુવારાની કિનારીમાં ગંદું પાણી ભરાયેલું રહે છે અને મચ્છરો પણ થાય છે, પરંતુ કોઈનું ધ્યાન જતું નથી. સર માઉન્ટ કોમ્પ્લેક્સ પાસે બંને તરફ્ બોક્સ પાર્કિંગ કરાયાં હોવાથી રોડ 15 ફૂટ જેટલો સાંકડો થઈ ગયો છે. રોડ રિસર્ફેસ કર્યો નહીં હોવાથી ઊંચા પાર્કિંગમાં કાર ચઢાવતાં નીચે પછડાય છે. કોર્પોરેશન હાઇકોર્ટના આદેશના પગલે ગેરકાયદે બાંધકામો તોડે છે, ત્યારે આ ફુવારાનું સ્ટ્રક્ચર રોડ જ બંધ કરી દે છે તે તોડી ના શકાય? એવી ચર્ચા લોકોમાં સાંભળવા મળી રહી છે. હાઇવે ઉપર લાંબો ત્રિકોણાકાર ભાગ ડેવલપ કર્યા વગરનો પડી રહ્યો છે, જે રાતના સમયે અકસ્માત નોંતરશે એવી પ્રબળ સંભાવના છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો